સુરત: ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિત નેતાઓ અને ધારાસભ્યને બદનામ કરતી પત્રિકા કાંડમાં સુમુલ ડેરીના વાઇસ ચેરમેન અને ભાજપ જિલ્લાના અગ્રણી રાજુ પાઠકને સુરત ક્રાઈમ બ્રાન્ચે પૂછપરછ હાથ ધરી છે. બીજેપી વર્સીસ બીજેપીની લડત હાલ ગુજરાતમાં જોવા મળી રહી છે. સૌથી અનુશાસિત પાર્ટી તરીકે પોતાની ઓળખ સ્થાપિત કરનાર ભારતીય જનતા પાર્ટીની અંદર જ વિવાદ સર્જાયો છે.
હું અસંતૃષ્ટ નથી:પૂછપરછ બાદ જ્યારે રાજુ પાઠક સુરત ક્રાઈમ બ્રાન્ચ થી નીકળ્યા ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, જે કંઈ પણ પૂછપરછ છે તેમાં મારો સહયોગ છે. જે કંઈ પણ સહકાર જોઈએ તે સહકાર આપીશું. પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા તે માટે હું આવ્યો હતો અને જવાબ આપ્યા છે. સી આર પાટીલ અમારા વડા છે હું અસંતૃષ્ટ નથી.
પત્રિકા કાંડ મામલે પૂછપરછ: ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ વિરુદ્ધ પત્રિકા સુરત જિલ્લામાં છપાઈ હતી. કેટલાક ભાજપના નેતાઓને આ પત્રિકા અને એક પેન ડ્રાઈવ મોકલવામાં આવી હતી. આ પેન ડ્રાઈવ માં જિનેન્દ્ર શાહનો વિડીયો પણ હતો. પત્રિકામાં જણાવવામાં આવ્યું હતું કે, ભાજપ પ્રદેશ પ્રમુખ અને કેટલાક ધારાસભ્ય તેમજ મંત્રીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે.
ત્રણ આરોપી જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ: આ સમગ્ર મામલે ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈએ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે રાકેશ સોલંકી સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ ત્રણેય આરોપીઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છે. એટલું જ નહીં આરોપી રાકેશ સોલંકી રાજ્યના પૂર્વ કેબિનેટ પ્રધાન ગણપત વસાવાના નજીકના પણ ગણાય છે. પ્રથમ કેસમાં આ ત્રણેય આરોપીને જામીન મળી જતા ક્રાઈમ બ્રાન્ચે આઈ.ટી એક્ટ હેઠળ તેમની ફરીથી ધરપકડ કરી હતી. તેમાં હાલ આ ત્રણેય આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ છે.
દૂધનું દૂધ અને પાણીનું પાણી: જોકે તેમને શા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બોલાવવામાં આવ્યા છે તેની સત્તાવાર માહિતી હજુ સુધી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આપવામાં આવી નથી. ગુરુવારે તેમની ચાર કલાક પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જ્યારે બીજા દિવસે પણ પૂછપરછ માટે રાજુ પાઠક સવારે 11:00 કલાકે ક્રાઈમ બ્રાન્ચ પહોંચી ગયા હતા. પૂછપરછ પહેલા તેઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.