પાંડેસરા પોલીસે ડુપ્લીકેટ દારૂ બનાવી વેચાણ કરતા બે ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે 85 હજારનો મુદામાલ પણ કબજે કર્યો છે. પાંડેસરામાં ચાલી રહેલી ડુપ્લિકેટ દારૂના ફેકટરીની જાણ મળતા પોલીસ ઘટના સ્થળે ત્રાટકી હતી. ફેક્ટરીમાં ડુપ્લિકેટ દારૂ બનાવવાની સામગ્રી જોઈ પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ હતી. પાંડેસરા પોલીસને બાતમી મળી હતી કે પાંડેસરા કર્મયોગી સોસાયટીમાં આવેલા ગણેશ એપાર્ટમેન્ટમાં કેટલાક ઈસમો ડુપ્લીકેટ દારૂ બનાવી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.
દરોડા નાખતા ઘટના સ્થળ પરથી તેજમલ ઉર્ફે તેજુ રામચંન્દ્ર ખટીક અને સંપત વનનાજી મેવાડા નામના ઈસમો ઝડપાઈ ગયા હતા. પોલીસે બંને આરોપીઓની પૂછપરછ કરતા તેઓ કેમિકલની બોટલોમાંથી થોડું થોડું કેમિકલ લઇ દારૂ બનાવતા હતા. તે બાદમાં તૈયાર કંપનીનું સીલ મારી વેચાણ કરતા હતા. પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે.