- સુમૂલ ડેરીનું ડુપ્લીકેટ ઘી તથા અલગ અલગ બ્રાન્ડનું કુલ 1891 લીટર ડુપ્લીકેટ ઘી મળી આવ્યું
- ફૂડ સેફટી ઓફિસર તથા તેમની ટીમ અને પુણા પોલીસની ટીમે રેડ કરી
- કુલ 18.98 લાખની મત્તાનો મુદ્દામાલ મળી આવ્યો
સુરત: પુણા પોલીસને આરોપી હરેશભાઈ જાદવભાઈ બોધરા તથા અલ્પેશભાઈ અસોદરિયાની મહિન્દ્રા મીનીવાનમાંથી સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડના સુમૂલ શુદ્ધ ઘી 1 લિટરના 10 નંગ પાઉચ સાથે કુલ 300 નંગ પાઉચ મળી આવ્યા હતા. જેની કિંમત રૂપિયા દોઢ લાખ હતી. સુમૂલ ડેરીના સેલ્સ એન્ડ માર્કેટિંગ વિભાગના આસીસ્ટન્ટ જનરલ મેનેજર મનીષ ભટ્ટ સાથે એસએમસી અધિકારીઓને બોલાવતા ફૂડ સેફટી ઓફિસર હેમેન કુમાર ગોહિલ તથા તેમની ટીમ અને પુણા પોલીસની ટીમે રેડ કરી હતી. રેડ દરમિયાન પ્લાસ્ટિકના ડબ્બામાં પાઉચોમાં ભરેલા સુમૂલ ડેરીનું ડુપ્લીકેટ ઘી તથા અલગ અલગ બ્રાન્ડનું ડુપ્લીકેટ ઘી કુલ 1891 લીટર જેની કિંમત 12.31 લાખ તથા વનસ્પતિ ઘી તથા તેલ મળી કુલ 1725 લીટર જેની કિંમત બે લાખથી વધુ અને રૂપિયા 74000 મળી આવ્યા હતા. આ સિવાય મહિન્દ્રા વાનની કિંમત એક લાખ તથા અન્ય પરચૂરણ સામાન મળી કુલ 18.98 લાખની મત્તાનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
આરોપીઓ દ્વારા છેલ્લા એક વર્ષથી ડુપ્લીકેટ ઘી બનાવવામાં આવતું હતું
પુના પોલીસને મળેલા સુમૂલ શુદ્ધ ઘી 1 લિટરના પાઉચમાંથી એક પાઉચ સુમૂલ ડેરીના લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલી આપ્યું હતું. તેમણે ખરાઇ ખાતરી કરી સદર આ સુમૂલ ડેરીનું પેકીંગ નહીં હોવાનું અને ડુપ્લીકેટ ઘી હોવાનું માલુમ પડ્યું હતું તથા તેનું ઉત્પાદન દુકાન નંબર 103 કૃષ્ણનગર સરથાણા સુરત શહેર ખાતે થતું હોવાનું જાણવા મળ્યું હતું. આરોપીઓ દ્વારા છેલ્લા એક વર્ષથી ડુપ્લીકેટ ઘી બનાવવામાં આવતું હતું. લોકડાઉનમાં કામ બંધ થયા બાદ છેલ્લા પાંચેક મહિનાથી ફરી ધમધમાટ શરૂ કર્યો હતો. આ ડુપ્લીકેટ ઘીનો સપ્લાય દિલ્હી અને રાજસ્થાન સુધી થતો હતો. આરોપીઓ દ્વારા મહિને પાંચસોથી હજાર લીટર ઘીનું ઉત્પાદન કરવામાં આવતું હતું.