સુરતઃ શહેરમાં અકસ્માતની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે અહીં વહેલી સવારે મુંબઈ નેશનલ હાઈવે પર એક ડમ્પર અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત થયો હતો. અહીં ડમ્પરચાલકની આગળ કારચાલકે અચાનક બ્રેક મારી હતી. ત્યારબાદ ડમ્પરચાલકે પણ બ્રેક મારી હતી. જોકે, તેની પાછળ પૂરઝડપે આવતી લક્ઝરી બસના ચાલકે બ્રેક ન મારતા બસ ડમ્પરને ધડાકાભેર અથડાઈ હતી.
આ પણ વાંચો Accident case: ધારાસભ્ય ડો. મહેન્દ્ર પાડલીયાનો ઉપલેટામાં અકસ્માત સર્જાયો
પોલીસે ઈજાગ્રસ્તોને બચાવ્યાઃ આ અકસ્માતમાં ડ્રાઈવર અને અન્ય એક પુરૂષ પ્રવાસીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે આ અકસ્માતમાં ડ્રાઈવર તરફના ભાગની લકઝરી બસ ચિરાય ગઈ હતી. ઘટના સમયે ટ્રાફિક પોલીસ ત્યાંથી જ પસાર થઈ રહી હતી, જેથી પોલીસે તાત્કાલિક ઇજાગ્રસ્તોને લકઝરીમાંથી બહાર કાઢી 108ની 3 જેટલી ટીમોની મદદ લઈ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતની ઘટનામાં પાંચ લોકોને ઈજા પહોંચીઃ વહેલી સવારે બનેલી આ અકસ્માતની ઘટનામાં 5 લોકોને ઇજા પહગોંચી હતી, જેમાં રેખાબેન રાજુભાઈ, નિશાબેન રાજુભાઈ, દ્રષ્ટિબેન પટેલ, ધીરુભાઈ રિજિયા અને વિઠ્ઠલભાઈ માવલિયાનો સમાવેશ થાય છે. જોકે, તે અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
કોસંબા પોલીસે ગુનો નોંધ્યોઃ સમગ્ર ઘટનાની જાણ કોસબા પોલીસને કરવામાં આવી હતી. ભાવેશ માવજીભાઈ જાદવાણીએ કોસંબા પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધાવી હતી. જોકે, પોલીસે હાલ આગળની તજવીજ હાથ ધરી છે.
ગયા અઠવાડિયે પણ થયો હતો અકસ્માતઃ મળતી માહિતી અનુસાર, ગત શુક્રવારે ભરૂચ જિલ્લામાં પણ લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. સુરતથી ઉના જતી પ્રવાસીઓ ભરેલી લક્ઝરી બસને નેશનલ હાઇવે નંબર 48 પર અંકલેશ્વર પાસે લક્ઝરી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. લોખંડની પ્લેટો ભરેલા ટ્રેલરે બાજૂમાંથી ટક્કર મારતા લક્ઝરી બસ રોડથી નીચે ઉતરી પડી હતી. જોકે, આ અકસ્માતમાં પ્રવાસીઓ અને ડ્રાઇવરને નાનીનાની ઈજાઓ થવા પામી હતી. જ્યારે ડ્રાઇવરની સમય સૂચકતા અને સુજબુદ્ધિથી તમામ મુસાફરોના જીવ બચાવ્યા હતા. આ અકસ્માતની જાણ થતા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.