સુરત: સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે માંડવી તાલુકાના મોરીઠા ગામની સીમમાં પસાર થઈ રહેલ વરેહ નદીમાં મોટી માત્રામાં પાણીની આવક થઇ રહી છે. જેને પગલે નદી પરનો લો લેવલ બ્રિજ હાલ પાણીમાં ડૂબી ગયો છે. પાણીની વધુ આવક થતા બીજા ગામોનો સીધો સંપર્ક તૂટી જતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
વરેહ નદીમાં પાણીની આવક: બે ત્રણ દિવસના વિરામ બાદ દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લાના બારડોલી,મહુવા,પલસાણા સહિતના તાલુકામાં મોડી રાત્રે ભારે વરસાદ વરસ્યો હતો.જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. તેમજ સુરત જિલ્લાના જળાશયોમાં મોટી માત્રામાં પાણીની આવક થઇ છે.ત્યારે માંડવી તાલુકાના મોરીઠા ગામની સીમમાં પસાર થતી વરેહ નદીના ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદને લઈને વરેહ નદીમાં મોટી માત્રામાં પાણીની આવક થઇ રહી છે.
બ્રિજ પાણીમાં ડૂબી ગયો: નદી પરનો લો લેવલ બ્રિજ પાણીમાં ડૂબી જતા એક ગામથી બીજા ગામને જોડતો સીધો સંપર્ક તૂટી ગયો છે. ત્યારે હાલ લો લેવલ પર બ્રિજ પર પાણી ફરી વળ્યા છે. પાણીને ખેડૂતો અને વિદ્યાર્થીઓ અને વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. આ બાબતે સ્થાનિક વાહન ચાલક ધર્મેશ ભાઈએ જણાવ્યું હતું કે "મોરીઠા ગામની સીમમાં પસાર થતી વરેહ નદીમાં દર વર્ષે આ પ્રકારની હાલાકીનો સામનો લોકોને કરવો પડે.નદી પર હાઈ બેરલ બ્રિજ બને તેવી સૌ વર્ષોથી માંગ કરી રહ્યા છે".
શાળામાં રજા જાહેર: છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ મહુવા તાલુકામાં વરસ્યો સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદની વાત કરીએ તો સુરત બારડોલી તાલુકામાં 8 ઇંચ,કામરેજ તાલુકામાં 0.75 ઇંચ,પલસાણા તાલુકાના 6 ઇંચ ,માંડવી તાલુકામાં 4 ઇંચ,માંગરોળ તાલુકામાં 1 ઇંચ ,મહુવા તાલુકામાં 12 ઇંચ,ઉમરપાડા તાલુકામાં 2.60 ઇંચ ,સુરત સીટી વિસ્તારમાં 2 ઇંચ, ઓલપાડ તાલુકામાં 0.5 ઇંચ અને ચોર્યાસી 5.6 ઇંચ વરસાદ વરસ્યો હતો. બે દિવસના વિરામ બાદ સુરત જિલ્લામાં બારડોલી,મહુવા,પલસાણા તાલુકામાં વરસતા ધોધમાર વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થઈ ગયું છે. ગત મોડી રાત્રે 12 થી 2 વાગ્યાના અરસામાં ભારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું.જેને લઈને સુરત જિલ્લા વહીવટી તંત્ર દોડતું થઇ ગયું હતું.સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાલ સાવચેતીના પગલા ભરવામાં આવી રહ્યાં છે.અસરગ્રસ્ત વિસ્તારોમાં શાળામાં રજાઓ પણ જાહેર કરી દેવામાં આવી છે. તેમજ કંટ્રોલ રૂમના નંબર પણ જાહેર કરી દેવાયા છે.