હાર્દિકની સભામાં હોબાળા અંગે ધાર્મિકે જણાવ્યું કે, અમદાવાદ ખાતે હાર્દિકની સભામાં સુરતના કેટલાક યુવાનો દ્વારા અલ્પેશ કથીરિયાના બેનરો લઈ હંગામો કરવામાં આવ્યો. ભારતીય જનતા પાર્ટી પાટીદાર આંદોલન સાથે જોડાયેલા યુવાનોને હાથો બનાવી હાર્દિક અને અલ્પેશ વચ્ચે મતભેદો ઉભા થાય એ પ્રકારના આ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમજ સમાજને ગુમરાહ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.
જે ઘટના બની અને ઘટનામાં જે યુવાનો છે તે અલ્પેશ કાથીરિયાના સમર્થકો હોય તેવું બિલકુલ પણ નથી લાગી રહ્યું. અલ્પેશના સમર્થકો આ પ્રકારે ક્યારેય પણ હલકી કક્ષાની વાત અથવા રાજનીતિ અને હાર્દિકનો વિરોધ ન કરી શકે. એવું મારુ સ્પષ્ટપણે માનવું છે. અમદાવાદ પોલીસ દ્વારા જે નિવેદનો આપવામાં આવ્યા તે તદ્દન વાહિયાત અને પાયાવિહોણા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રિપેર કરી અને પોલીસ તંત્રના કર્મચારીઓ પાસે બોલાવવામાં આવી રહ્યું હોય તેવું મને લાગી રહ્યું છે. પાટીદાર આંદોલનના ચાર વર્ષ દરમ્યાન જે પણ પોલીસ કેસો થયા છે, તેવા યુવાનો સાથે અમે ખંભેથી ખંભા મેળવી ઉભા રહ્યા હતા. જે પણ પરિસ્થિતિ હોય અને જરૂર પડે તેવા સંજોગોમાં તેમના પરિવાર સાથે પણ સૌ કોઈ ઉભા છે. જે આંદોલનકારી અને વિરોધ કરનારા લોકોને પોલીસ છાવરી રહી છે તે બાબત ખૂબ જ ખોટી અને નિંદનીય છે.
જે પણ લોકો સુરત પાસના આંદોલનકારી અથવા અલ્પેશ કથીરિયાના નામે જે વાત કરી રહ્યા છે તે બિલકુલ ખોટી છે. પ્રલોભન અને લાલચમાં આવી આ એક પ્રકારની ઘટના ઉભી કરી છે. ઘટનામા સામેલ એક પણ યુવાનોની એવી શ્રમતા નથી કે પોતાના ખર્ચે અમદાવાદ સભા સુધી લાંબા થાય અને વિરોધ કરી શકે. હાર્દિકની સભામાં જે યુવાનો આવ્યા હતા તે તમામ સામાન્ય પરિવારમાંરથી આવે છે. જે યુવાનો હાર્દિકની સભા પહેલા એક દિવસ અગાઉ અમદાવાદની રિસોર્ટમાં રોકાયા અને ત્યારબાદ હાર્દિકની સભામાં વિરોધ કરવા ગયા હતા. જે દર્શાવે છે કે ફક્તને ફક્ત ભારતીય જનતા પાર્ટીના ઈશારે જ આ સમગ્ર ઘટના ઉભી કરવામાં આવી છે.