- 1 જાન્યુઆરીથી ફાસ્ટેગ નિયમનો થશે અમલ
- ફાસ્ટેગના અમલ સામે સુરતમાં વિરોધ
- લોકોએ આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી
સુરત: 1 જાન્યુઆરીથી ફાસ્ટેગ નિયમનો અમલ થશે. પરંતુ ફાસ્ટેગના અમલ સામે સુરતમાં વિરોધ થઈ રહ્યો છે. ના-કર સમિતિના નેજા હેઠળ આ અંગે મિટિંગ યોજાઈ હતી. ભાટિયા અને કામરેજ ટોલ પરથી સ્થાનિક વાહનોને ટોલ ટેક્ષમાંથી છૂટ આપવાની માંગ કરાઈ છે.
આંદોલન કરવાની ચીમકી
આ બેઠકમાં સમિતિના અનેક આગેવાનો પહોંચ્યા હતા. લોકોને કઈ રીતે સાથે જોડી શકાય એની ચર્ચા કરવામાં આવી હતી. ના કર સમિતિ હેઠળ પ્રથમ હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરાશે. ત્રણ સંસદ સભ્યને આવેદન અપાશે. કામરેજ ટોલ નાકા સામે વિરોધ કરાશે. આગામી 1 જાન્યુઆરી 2021થી ટોલનાકા પર ફાસ્ટેગ ફરજિયાત કરી દેવાયુ છે, ત્યારે સુરત જિલ્લામાં નેશનલ હાઇવે પર આવેલા ભાટિયા અને કામરેજ ટોલનાકા પર સ્થાનિકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માગ સાથે ‘ના કર’ ટોલ બચાવ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.
જો ટોલ ટેક્સમાંથી મુક્તિ નહીં અપાય તો આંદોલન છેડવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર સુરત જિલ્લાના કામરેજ, ઉમરપાડા, માંગરોળ, પલસાણા, ચોર્યાસી, બારડોલી, માંડવી અને ઓલપાડ તેમજ સુરત શહેરના અંદાજે 15 હજાર જેટલા વાહનો દરરોજ નેશનલ હાઇવે નંબર 53 (સુરત - ધુલિયા) પર આવેલા ભાટિયા તેમજ નેશનલ હાઇવે નંબર 48 (મુંબઈ - અમદાવાદ) પર આવેલા ચોર્યાસી (કામરેજ) ટોલનાકા પરથી પસાર થાય છે.