બારડોલી: રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાન ઈશ્વરભાઈ પરમારના હસ્તે પલસાણા તાલુકાના પીસાદ, કણાવ અને સેઢાવ ગામોમાં કુલ 35.75 લાખના ખર્ચે તૈયાર થયેલા નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ અવસરે પ્રધાને જણાવ્યું કે, કોરોના વૈશ્વિક મહામારીમાં ગ્રામ્ય અને શહેરી નાગરિકોની સુખ સુવિધા માટે રાજ્ય સરકારે વિકાસકામોની ગતિ અટકે નહીં એવું લક્ષ્ય સેવ્યું છે. નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનના નિર્માણના કારણે લોકોને તેનો લાભ મળશે તેમજ ગામના વિકાસ કામોને વેગ મળશે.

હાલ પલસાણા અને બારડોલી તાલુકામાં અનેક રસ્તાઓનું પણ ખાતમુહુર્ત કરવામાં આવ્યું છે. એક ગામથી બીજા ગામને જોડતા રસ્તાઓના નિર્માણથી ગ્રામ્ય જનતાની યાતાયાતની સુવિધામાં વધારો થવાથી લોકોને તેનો ફાયદો થશે. કામ શરૂ થયા બાદ યોગ્ય ગુણવત્તાયુકત બને તે અંગેની તકેદારી રાખવા સૌ ગ્રામજનોને હિમાયત કરી હતી.

પ્રધાને 12.67 લાખના ખર્ચે પિસાદ ગ્રામ પંચાયત, 10.54 લાખના ખર્ચે કણાવ ગ્રામ પંચાયત તથા 12.54 લાખના ખર્ચે સેઢાવ ગ્રામ પંચાયતના નવનિર્મિત થયેલા ભવનોનું લોકાર્પણ કર્યું હતું. આ સમયે તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.