મંગળવારે ઉત્તરાયણ પર્વને લઈ નગર પ્રાથમિક શાળાના દિવ્યાંગ શિક્ષક અને તેની પત્ની સ્કૂલ અને સ્વાધ્યાય પરિવારના સ્નેહ મિલન કાર્યક્રમમાં ગયા હતા. આ કાર્યક્રમ પૂર્ણ થતાં તેઓ ત્યાંથી પરત ફરતી વેળા સરથાણા કેનાલ રોડ પર રોડ બાજુએ બાઈક લઈને ઉભા હતા અને તે દરમિયાન પૂરપાટ ઝડપે આવેલા કાર ચાલકે તેમણે અડફેટે લીધા હતાં.
આ અકસ્માતના પગલે આસપાસથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા અને કાર ચાલકને લોકોએ ઝડપી પાડ્યો હતો. આ જ કારમાં ઇજાગ્રસ્ત પતિ-પત્નીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. આજે વહેલી સવારે દિવ્યાંગ શિક્ષક સંજયભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
વરાછા ખાતે રહેતા 34 વર્ષીય સંજયભાઈ ચિતરભાઈ ડાભી નગર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અને દિવ્યાંગ હતા. હાલ સંજયભાઈ પત્નીની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જો કે, દંપતીના એકના એક દિકરાએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.