સુરત: જિલ્લામાં બિન વારસી હાલતમાં અજાણ્યા મૃતદેહ મળવાનો સિલસિલો યથાવત છે. કામરેજ તાલુકાના ઊંભેળ ગામે ઓમ ઇન્ડસ્ટ્રીઝ વિભાગ નબર - 11ની બાજુની પડતર જગ્યામાં એક ઇસમ મરણ હાલતમાં હોવાની જાણ સ્થાનિક આગેવાન રજની ભાઈ ધામેલિયા થતા તેઓએ કામરેજ પોલીસનો સંપર્ક કરતા કામરેજ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. 108 એમ્બ્યુલન્સ પણ બોલાવી લેવામાં આવી હતી સ્થળ પહોંચેલ 108 એમ્બ્યુલન્સના તબીબે યુવકને ચેક કરતા તેઓને મરણ જાહેર કર્યો હતો.
અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો: મૃતકની ઉંમર અંદાજિત 35થી 40 વર્ષનો હોવાનું જાણવા મળ્યું હતું. કામરેજ પોલીસે મૃતદેહનો કબજો લઈ મૃતદેહ ચેક કરતા મૃતક યુવકના બન્ને હાથની મુઠ્ઠીઓ બંધ હતી. તેણે શરીરે કાળા કલરની પેન્ટ તથા લીલા કલરની પટ્ટા વાળી ટી શર્ટ પહેરી હતી તેમજ આ યુવકને ખેંચના કારણે મોત થયું હોવાનું પોલીસને અનુમાન છે. હાલ પોલીસે મૃતકના વાલી વારસાને શોધવા તજવીજ હાથ ધરી છે.
પોલીસે તપાસ હાથ ધરી: મળી આવેલ અજાણ્યા યુવકના મૃતદેહને લઈને ઊંભેળ વિસ્તારના બીટ જમાદાર પૃથ્વી ભાઈએ જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં જ અમારી ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને મૃતદેહનો કબજો લીધો હતો. હજુ સુધી મૃતક યુવકના વાલી વારસાનો સંપર્ક થયો નથી જેથી મૃતદેહ કામરેજ આરોગ્ય કેન્દ્ર ખાતે મૂકવામાં આવ્યો છે.
નદીમાંથી મળી આવેલ સગીરાના મૃતદેહની ઓળખ: અન્ય બનાવની વાત કરીએ મહુવા તાલુકાના કનજોડ પૂર્ણા નદીના પાણીમાં ખેંચાઈ આવેલ લાશ બીજા દિવસે કણજોડનાં ગ્રામજનો તથા ફાયર ફાઈટરોએ લાશ કાઢવા જેહમત ઉઠાવી હતી, પરંતુ ચેક ડેમ નજીક વહેણ વધુ પ્રમાણમાં હોય પાણીના વમળમાં ફરતી લાશ કાઢી શકવામાં સફળતા મળી હતી. યુવતીના હાથ પર રાધુ લખેલું છૂંદણુ હોય તેના આધારે પોલીસે શોધખોળ કરતા અને ફોટા વાયરલ થતાં મરણ જનાર યુવતી વાલોડ તાલુકાના અંધાત્રી ગામના ખાડી ફળિયાની રહીશ હોવાની ઓળખ થઈ હતી.
કોણ હતું મૃતક?: સગીરા એસ.એસ. સી. સુધી અભ્યાસ કર્યો હતો. માતા અને બહેન સાથે રહેતી હતી. અગાઉ પણ ઘણીવાર ઘરેથીને કશું કહ્યા વિના ચાલ્યા ગયા બાદ બે ત્રણ દિવસમાં પરત આવી જતી હતી. આ ઘટના બેથી ત્રણ વખત બની હતી. 11મી જુલાઈએ જમીને નીકળી ગઈ હતી. ઘરના સભ્યોને એમ હતું કે અગાઉની જેમ ફરીને આવી જશે. પોલીસે અજાણી યુવતીની મળેલ લાશ અંગે તપાસ હાથ ધરતા ઘરના સભ્યોને મળેલ લાશના હાથ પર રાધું ટેટુના આધારે લાશ 17 વર્ષીય સગીરાની હોવાનું ખબર પડતા યુવતી અંધત્રીની જ હોવાની ઓળખ કરી હતી.