સુરત: સુરતમાં પરંપરા રહી છે કે અઢી વર્ષ સુરતી મેયર તો બીજી બાજુ અઢી વર્ષ સૌરાષ્ટ્રવાસી મેયર. આ પરંપરા આ વખતે પણ જાળવી રાખવામાં આવી છે. મૂળ સુરતની હેમાલી બોઘાવાલા બાદ હવે સૌરાષ્ટ્રના વાસી દક્ષેશભાઈ માવાણી સુરતના મેયર બન્યા છે. સુરત મહાનગરપાલિકામાં પણ આ વખતે 'નો રિપીટેશન' થીયરી જોવા મળી છે. સ્ટેન્ડિંગ કમિટી તરીકે રાજન પટેલની જાહેરાત કરવામાં આવી છે. તેઓ માજી કોર્પોરેટરના પુત્ર છે અને સાથે પત્રકાર રહી ચૂક્યા છે. ડેપ્યુટી મેયર પદે નરેશ પટેલની જાહેરાત કરવામાં આવી છે. તેઓ મૂળ મરાઠી સમાજથી આવે છે. જ્યારે શાસક પક્ષ નેતા તરીકે ઉત્તર ભારતીય શશી ત્રિપાઠીની જાહેરાત કરવામાં આવી છે.
12 સભ્યોમાંથી આઠ મહિલા: આ વખતે સ્ટેન્ડિંગ સમિતિના સભ્યોમાં મોટાભાગે મહિલાઓ જોવા મળી છે. 12 સભ્યોમાંથી આઠ મહિલા સભ્ય છે. ભાવીશા પટેલ, અલકા પાટીલ, જીતેન્દ્ર સોલંકી, નીરાલા રાજપૂત, આરતી વાઘેલા, ગીતા રબારી, ઘનશ્યામ સવાણી, નરેશ ધમેલિયા, દીનાનાથ ચૌધરી, ડિમ્પલ કાપડિયા અને સુમન ગડિયા સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો બન્યા છે.
'શહેરની અંદર વિકાસના કામો ચાલી રહ્યા છે જે ઝડપી આગળ વધે આ માટે અમે કાર્ય કરીશું. હંમેશાથી પ્રજાએ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો છે. આ વિશ્વાસને અમે હંમેશા ફરી પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છીએ. આ સાથે તાપી રિવરફ્રન્ટની કામગીરી સહિત અન્ય વિકાસ કાર્યોના પ્રોજેક્ટને ઝડપી વેગ મળે આ માટે કાર્યરત રહીશું.' -દક્ષેશ માવાણી, મેયર, સુરત
મેટ્રોની કામગીરી ઝડપી થશે: બીજી બાજુ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલે જણાવ્યું હતું કે ઘણા એવા વિકાસ કાર્યો છે જે હાલ ચાલી રહ્યા છે. તે ઝડપથી આગળ વધે આ મારી પ્રાથમિકતા રહેશે. અમારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી દ્વારા મહત્વની કામગીરી આપવામાં આવી છે. પરિપૂર્ણ કરવા માટે કટિબદ્ધ છીએ, બીજી બાજુ શહેરમાં જે મેટ્રોની કામગીરી ચાલી રહી છે. તેના કારણે પણ લોકોને મુશ્કેલી થઈ રહી છે. આ કામો જ ઝડપી થાય આ માટે અમે કાર્યરત થઈશું.