સુરત : ગુજરાતના 1600 કિલોમીટરના દરિયાકિનારે મંડરાઇ રહેલા વાવાઝોડાને લઈને રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. તો કેટલીક જગ્યા એ વરસાદી ઝાપટા અને વૃક્ષો પણ ધરાશાયી છે, આ ઉપરાંત વાવાઝોડાને લઈને દરિયાકિનારે વસતા લોકોને સ્થાળાતંર પણ કરવામાં આવી રહ્યા છે, ત્યારે સુરતમાં પણ ડુમસ અને સુવાલી દરિયાકિનારો લોકોની સલામતી માટે બંધ રાખીને પોલીસ રાખવામાં આવી છે. ત્યારે આ બધા વચ્ચે સુરત જિલ્લા ઇન્ચાર્જ કલેકટરે કહ્યું છે કે, હાલ 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.
બિપરજોય વાવાઝોડું સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી પસાર થઇ ગયું છે, પરંતુ તેની અસરના કારણે હજી પણ 40થી 50 કીમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આ અસર આવતીકાલ સુધી રહેશે, પરંતુ આપણે ત્યાં વાવાઝોડું આવાની શક્યતાઓ નથી. તેમાં છતાં આપણે ડુમસ, સુવાલી અને ડભારી બીચ લોકોના સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા છે, ત્યાં પોલીસ બંદોબસ્ત ચાલુ રાખવામાં આવ્યો છે. આપણે ત્યાં રોરો ફેરીની સર્વિસ છે તે પણ હાલ બંધ કરવામાં આવી છે. તે હજી પણ બે દિવસ સુધી બંધ રાખવામાં આવશે અને હાલ ભારે પવનો ફૂંકાય રહ્યા તે આવતીકાલ સુધી રહેશે, ત્યારબાદ તેની ગતિમાં ઘટાડો થશે. - બી.કે. વસાવા (સુરત જિલ્લા ઇન્ચાર્જ કલેક્ટર)
વાવાઝોડાની શહેર પર અસર : ઉલ્લેખનીય છે કે, બિપરજોય વાવાઝોડું સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી પસાર થઇ રહ્યું છે, પરંતુ તેની અસરના કારણે હજી સમગ્ર સુરત શહેરમાં 40થી 50 કીમીની ઝડપે પવન ફૂંકાય રહ્યા છે, જેને કારણે સુરતમાં ઠેક ઠેકાણે વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી હતી. ક્યાંક રસ્તાઓ પર તો ક્યાંક પાર્ક કરવામાં આવેલી ગાડીઓ પર છેલ્લા 5 દિવસ એટલે કે 11 તારીખથી લઇ 15 તારીખ સુધી સુધીમાં કુલ 86 વૃક્ષો ધરાશાયી થયા છે. જેમાં 6 વૃક્ષો પાર્ક કરવામાં આવેલી ગાડીઓ પર પડતા નુકશાન થયું છે. મહત્વની બાબત એ છે કે, આ ઘટનાઓમાં કોઈ પ્રકારની જાનહાની થઈ નથી.