સુરત: ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ભવ્ય સ્વાગત યાત્રા આમ તો રદ કરવામાં આવી હતી. પરંતુ આ પહેલા હજારોની સંખ્યામાં ભેગા થયેલા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કોરોના કાળમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. વાહન રેલી માટે ભેગા થયેલા કાર્યકરો દ્વારા સોશિયલ ડિસ્ટન્સને મજાક બનાવવામાં આવ્યું હતું. જેને લઇ સોશિયલ મીડિયામાં પણ અનેક ટીકા-ટિપ્પણી જોવા મળી હતી. ચાર દિવસ બાદ પણ નિયમોના ઉલ્લંઘનને લઈ કોઈ પણ પોલીસ ફરિયાદ દાખલ થઇ નથી. જેથી આજે સુરત શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરવામાં આવી છે.
કોંગ્રેસના શહેર પ્રમુખ બાબુ રાયકાએ જણાવ્યું હતું કે ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા જાણી જોઈને આ કૃત્ય કરવામાં આવ્યું છે. હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા હતા. જેમાં એપેડેમીક એક્ટ, જાહેરનામાનો ભંગ બદલ ગુનો નોંધવા પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. જાહેરનામાના ભંગ અંગે ફરિયાદ નોંધવા પોલીસ કમિશનર ને જણાવ્યું છે. જો આવનારા પાંચ દિવસમાં ફરિયાદ નોંધવામાં ન આવે તો કોર્ટ કાર્યવાહી માટે પણ કોંગ્રેસ અરજી કરશે.