સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી કાળા કલરની પલ્સર બાઈક પર ચેઈન સ્નેચિંગની ઘટનાઓ બનતી હતી. જેને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે મહિધરપુરા મોતી ટોકિઝ ત્રણ રસ્તા પાસેથી મોહમ્મદ વસીમ મોહમ્મગશફીક ખાનને પોલીસે પકડી પાડ્યો હતો. અને તેની તપાસ કરતા 3 સોનાની ચેઈન કિંમત 1.36 લાખ અને પલ્સર બાઈક કિંમત 60 હજારના મુદ્દામાલ સાથે પકડી પડવામાં આવ્યો હતો. તેને સોનાની ચેઈન અંગે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેણે ચોકબજાર, અડાજણ સહિતના વિસ્તારમાં 12 જેટલા ચેઈન સ્નેચિંગ કર્યા હતા. જ્યારે વડોદરામાં 5 અને કાનપુરમાં 35 ગુનાને અંજામ આપ્યો હતો. અત્યાર સુધીમાં તેણે 50 થી વધારે ઘટનાને અંજામ આપ્યો છે.
આરોપીના ઇતિહાસની વાત કરવામાં આવે તો મોહમ્મદ વસીમ મોહમ્મદશફીક ખાન 3 વર્ષ પહેલાં સુરતમાં જ રહેતો હતો. અને રાજ માર્કેટમાં ભાડેથી દુકાન રાખી કાપડનો વેપાર કરતો હતો. તે દરમિયાન ક્રિકેટ મેચમાં સટ્ટો રમવાની લતે ચડી જતા ધંધામાં નુકસાન ગયું હતું. જેથી દુકાન બંધ કરીને તે કાનપુર ચાલ્યો ગયો. ત્યારે ત્યાં કંઈ કામ ન મળતા તે મોબાઈલ ફોનમાં યુ-ટ્યુબ જોતો હતો. ત્યારે તેણે ચેઈન સ્નેચિંગના વીડિયો જોઈને ચેઈન સ્નેચિંગ અને ચોરીના સામાનનું વેચાણ કરવાનું નક્કી કરી લીધું હતું. શરૂઆતમાં કાનપુરમાં ગુનાને અંજામ આપતો હતો. જો કે, સ્થાનિક શહેરમાં પકડાઈ જવાના ડરથી સુરત શહેરમાં ચેઈન સ્નેચિંગ કરવાનું નક્કી કર્યું હતું.અને પોતે રેલવે દ્વારા સુરત આવી બે ત્રણ દિવસ ચેઈન સ્નેચિંગ કરી બાઈક ટ્રાવેલ્સની ઓફિસ પર મૂકી કાનપુર ચાલ્યો જતો હતો. તેમજ બાઈકની નંબર પ્લેટ કોઈ જગ્યાએ CCTV માં ન આવે તે માટે બંને નંબર પ્લેટ પણ કાઢી નાખતો હતો. અને ચેઈન સ્નેચિંગ સમયે હેલમેટ પહેરી રાખતો હતો.