કામરેજઃ આજે ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની નજર ચંદ્રયાન-3 પર ટકેલી છે. ચંદ્રયાન-3ની સફળતા માટે આખો દેશ પ્રાર્થના કરી રહ્યો છે. તેવામાં કામરેજની વશિષ્ઠ વિદ્યાલયમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું. કાર્યક્રમનું નામ ચંદ્રયાન-3 ગ્રાન્ડ લેન્ડિંગ રાખવામાં આવ્યું હતું.
કાર્યક્રમના આકર્ષણઃ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ચંદ્રયાન-૩નું ચંદ્ર ઉપર સફળ લેન્ડિંગ થાય તે માટે પ્રાથના કરવામાં આવી. ચંદ્રયાન ૩ને લગતા અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ કૃતિઓ રજૂ કરાઈ હતી. ચંદ્રયાન-૩ના લેન્ડિંગ ને લઈ વિદ્યાર્થીઓમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને શાળાના ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફે પૂરતો સહકાર આપીને સફળ બનાવ્યો હતો.
સમગ્ર ભારત માટે આજનો દિવસ ખૂબ મહત્વનો છે. ચંદ્રયાન-3નું જ્યારે સોફ્ટ લેન્ડિંગ થવા જઈ રહ્યું છે જે ખૂબ ગર્વની વાત છે. જે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરવા વાળો ભારત પ્રથમ દેશ બનશે...મેહુલ વડોદરિયા(આચાર્ય, વશિષ્ઠ વિદ્યાલય)
ગૌરવવંતી ક્ષણઃ ભારત દેશ માટે આજે ગર્વની વાત છે. ચંદ્રયાન-૩ના લેન્ડિંગ ને લઈ ભારતભરમાં ઉજવણી માટે તૈયારીઓ થઈ ગઈ છે. સુરતમાં પણ વિવિધ સ્થળો પર ચંદ્રયાન-૩ લેન્ડિંગને લઈ વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. ૪૧ દિવસ બાદ આજે ૨૩ ઓગસ્ટે સાંજે ૫:૩૦ થી ૬:૩૦ ની વચ્ચે ચંદ્રયાન ૩ ચંદ્રની ધરતી ઉપર લેન્ડિંગનું આયોજન છે. ચંદ્રયાન-૩નું લેન્ડિંગ દક્ષિણ ધ્રુવ પર નક્કી કરાયું છે.