- ઉમરપાડા ખાતે 711 કરોડના ખર્ચે તૈયાર થનાર સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત
- 50 કરોડના ખર્ચે તૈયાર થનાર સૈનિક સ્કૂલનું ભૂમિપૂજન કર્યું
- આદિવાસી ક્ષેત્રમાં વિકાસની સમૃદ્ધિના દ્વાર ખૂલશે
- ઉમરપાડા-ડેડિયાપાડા તાલુકો વિકાસની નવી તકો સાથે નંદનવન બનશે
- આદિવાસી ક્ષેત્રના વિકાસ માટે રૂપિયા 3700 કરોડના ખર્ચે 10 સિંચાઈ યોજના અમલી
- સૈનિક સ્કૂલ આદિવાસી યુવાનોમાં દેશદાઝની ભાવના કેળવવા આશીર્વાદરૂપ બનશે
બારડોલીઃ સુરત જિલ્લાના ઉમરપાડા ખાતે ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં મુખ્યપ્રધાને જણાવ્યું કે, રાજ્ય સરકાર આદિવાસી ક્ષેત્રનો સર્વાનોમુખી વિકાસ માટે રૂપિયા 3700 કરોડના ખર્ચે 10 જેટલી સિંચાઈ યોજનાઓ અમલી બનાવી છે. જેના દ્વારા આદિવાસી ક્ષેત્રમાં વિકાસના સમૃદ્વિના દ્વાર ખૂલશે. છેલ્લા બે દાયકાથી પ્રજાના નાણા પ્રજાહિત માટે વપરાય, લોકહિતાર્થે કામો થાય, ભારતમાતા પરમવૈભવનું શિખર પ્રાપ્ત કરે એ દિશામાં સરકારે સુદઢ શાસન વ્યવસ્થા પ્રસ્થાપિત કરી છે. આધુનિક ટેક્નોલોજી અને ટ્રાન્સપરન્સી સાથે લાભાર્થીઓને સીધા ખાતામાં જમા થાય છે. રૂપિયા 3 હજાર કરોડ કોરોનાની સારવાર, વરસાદથી થયેલા નુકસાનમાં રૂપિયા 3700 કરોડનું પેકેજ ખેડૂતોને આપ્યું છે. આ ઉપરાંત સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના હેઠળ કરોડો રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં જમા થયા છે. દ્ઢ સંકલ્પ અને પારદર્શિતા સાથે રાજ્ય સરકાર કાર્ય કરી રહી હોવાનું રૂપાણીએ જણાવ્યું હતું.
પાણીએ વિકાસની પ્રાથમિકતા છે
ઉમરપાડા-ડેડિયાપાડા તાલુકાના વિકાસ માટે સરકારના નિર્ણયની પ્રતિબદ્વતા વ્યકત કરતાં મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું કે, જગતનો તાત ખરા અર્થમાં તાત બની, સમૃદ્વિ તરફ પ્રયાણ કરે તેવો આશય રાજ્ય સરકારનો રહેલો છે. પાણી એ વિકાસની પ્રાથિમકતા છે. પાણીદાર ગુજરાત બને એ માટે સુજલામ સુફલામ, સૌની યોજના સહિત યોજનાઓ વડે જગતના તાતના ખેતર સુધી પાણી પહોંચાડવાની વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે.
આદિવાસીઓનો ઈતિહાસ બલિદાન અને સમર્પણનો
આદિવાસી સમાજનો ઈતિહાસ બલિદાન અને સમર્પણનો રહ્યો છે. દેશની આઝાદી માટે તેમના બલિદાનોને સરકારે ક્યારેય ભૂલશે નહી. આદિવાસીઓ ખડતલ અને મહેનતું છે. આદિવાસી ક્ષેત્રના યુવાનોમાં સમર્પણ અને દેશભાવના કેળવાય તેવા આશય સાથે ઉમરપાડા તાલુકામાં અત્યાધુનિક સુવિધા સાથે દક્ષિણ ગુજરાતની પ્રથમ સૈનિક સ્કૂલ બનશે. સૈનિક સ્કૂલના વિદ્યાર્થીઓ નેશનલ ડિફેન્સ એકેડમીમાં જોડાઈ અને ગુજરાત રેજિમેન્ટ બને તેવા રાજ્ય સરકારના પ્રયાસો રહેશે એમ મુખ્યપ્રધાને જણાવ્યું હતું.
ગુજરાત વિદ્યાર્થીઓને આધુનિક સુવિધા સાથે ઉચ્ચત્તમ શિક્ષણ આપી, એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીઝનું હબ બને તેવા પ્રયાસો કરશે તેવો નિર્ધાર વ્યકત કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સમાજ-રાજ્ય-રાષ્ટ્રના નિર્માણમાં અનેક પડકારો ઝીલી યુવાનોને કૌશલ્યબદ્વ સક્ષમ બનાવવા છે. ગુજરાતમાં વિશ્વ સ્તરની યુનિવર્સિટીઓ બની છે. ગુજરાતમાં 10 યુનિવર્સિટીઓ હતી, હવે 70 યુનિવર્સિટીઓ છે.
કોરોના સંક્રમણને રોકવાના પ્રયાસોની ICMRએ પ્રશંસા કરી
કોરોના કાળમાં રાજ્યની વિકાસ યાત્રાને યાદ કરતા મુખ્યપ્રધાને જણાવ્યું કે, લોક હિતના કાર્યોને સરકારે ક્યારેય અટકવા દીધા નથી. ગત 4 માસમાં રૂપિયા 17 હજાર કરોડના વિકાસ કાર્યો અવિરત રહ્યા છે. કોરોના સંક્રમણને રોકવા સરકારે કરેલા પ્રયાસોને ICMRએ પ્રશંસા કરી છે.
આદિવાસી ખેડૂતો માટે સમૃદ્ધિના દ્વાર ખુલશે : ગણપત વસાવા
આ પ્રસંગે વન, આદિજાતિ પ્રધાન ગણપતસિંહ વસાવાએ જણાવ્યું કે, તાપી મૈયાના પવિત્ર નીરથી ઉમરપાડા અને ડેડિયાપાડા તાલુકાના હજારો ખેડૂતોની જમીન ઉપજાઉ બનશે, ખેતરોમાં અનેકવિધો પાકો થકી સમૃદ્ધિની છોળો ઊડશે એમ જણાવી કાકરાપાર ગોડધા વડ ઉદ્દવહન સિંચાઈ યોજના પણ પૂર્ણતાના આરે હોવાનું ઉમેર્યું હતું. ખેતી જેવી મહત્ત્વની પાયાના વ્યવસાય માટે પૂરતી સિંચાઈ હોવી એ અનિવાર્ય જરૂરિયાત હોવાનું જણાવતા વસાવાએ કહ્યું કે, ઉદ્દવહન સિંચાઈ યોજનાઓ મારફતે ગામે ગામ સિંચાઈની જળ સુવિધા ઉભી થવાથી ખેડૂતોની સમૃદ્ધિના દ્વાર ખૂલશે. ખેડૂતો, ગરીબો, શ્રમિકો, મહિલાઓ, બાળકો અને યુવાનોને વિકાસની દિશામાં દોરી જવાના પ્રયાસોને ઉમરપાડા અને ડેડિયાપાડાના આદિજાતિ ખેડૂતોએ સહર્ષ વધાવી લીધી છે, ત્યારે માત્ર સિંચાઈ જ નહીં પરંતુ આદિવાસી બાળકોને શિક્ષણ સાથે લશ્કરી તાલીમ આપી સંરક્ષણ ક્ષેત્રમાં ઉજ્જવળ ભવિષ્ય માટેની કેડી કંડારવામાં નિમિત્ત બનવાનો આનંદ છે એમ જણાવી પ્રધાને માંગરોળ વિધાનસભા વિસ્તારમાં થયેલા વિકાસકામોની વિગતવાર જાણકારી આપી હતી.
કોવિડ-19ની ગાઈડલાઈનના પાલન સાથે કાર્યક્રમ યોજાયો
આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે સરકારની કોવિડ-19ની ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સ્થળે પૂરતી માત્રામાં માસ્ક, સેનિટાઈઝર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાન ઈશ્વર પરમાર, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રીતિ પટેલ, ઉમરપાડા તાલુકા પંચાયત પ્રમુખ દરિયા વસાવા, માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ જગદિશ ગામીત, સુમુલ ડેરીના ચેરમેન માનસિંગ પટેલ, ઉપપ્રમુખ રાજુ પાઠક, આદિજાતિ વિકાસ વિભાગના સચિવ અનુપમ આનંદ, જળસંપતિ વિભાગના સચિવ એમ. કે. જાદવ, જિલ્લા કલેક્ટર ડો. ધવલ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એચ. કે. કોયા, ધારાસભ્યો, સિંચાઈ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ, ખેડૂતો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.