સુરત: માંગરોળ તાલુકાના નવાપરા ગામ પાસે કીમ માંડવી સ્ટેટ હાઈવે પર એક બેફામ બનેલા અજાણ્યા કાર ચાલકે પોતાની ગાડી ગેરજવાબદારી પૂર્વક હંકારી પૂરપાટ ઝડપે દોડાવી બે મોટરસાઈકલ તેમજ એક પેસેન્જર ભરેલી રિક્ષાને અડફેટે લીધી હતી. જેમાં એક મોટરસાઈકલ અને પેસેન્જર ભરેલી રિક્ષા રોડની બાજુની ગટરમાં ખાબકી હતી. જ્યારે એક મોટરસાઈકલ સવાર રોડ પર પટકાયો (car driver hit two bikes and a rickshaw) હતો.
ચાર લોકોને ઈજા: આ અકસ્માતમાં ચાર લોકોને ઈજા પહોંચી હતી. જેમને મદદે દોડી આવેલા સ્થાનિક લોકોએ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડયા હતાં. અકસ્માત સર્જી આ કાર ચાલક ઘટના સ્થળથી ફરાર થયો હતો. જ્યારે સમગ્ર ઘટનામાં નસીબ સંજોગે કોઈપણ જાતની જાનહાની થઈ ન હતી. આ ઘટના બાદ કોસંબા પોલીસે કાર ચાલકની શોધખોળ આદરી છે.
પેસેન્જર ભરેલ રિક્ષા ગટરમાં ખાબકી: કાર રિક્ષા સાથે ધડાકાભેર અથડાતા રિક્ષા ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને પેસેન્જર ભરેલ રિક્ષા સીધી ગટરમાં ખાબકી હતી. જેને પગલે રિક્ષામાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.રસ્તા પર પસાર થઈ રહેલા રાહદારીઓ અને વાહન ચાલકો મદદે દોડી આવ્યા હતા અને રિક્ષા બહાર કાઢી હતી.
અકસ્માતના બનાવને પગલે લોકો એકત્ર થયા: ઘટના સ્થળે હાજર વિજય ભાઈએ જણાવ્યું હતું કે અકસ્માતના બનાવને પગલે લોકો એકત્ર થયા હતા. પિકઅપ બોલેરો સાથે દોરડું બાંધી રિક્ષાને ખેંચી ગટર માંથી બહાર કાઢી હતી.કોઈ મોટી જાનહાનિના સમાચાર નથી મળ્યા.