નવસારી : રાજ્યભરમાં અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે નવસારીના નવસારી-સુરત સ્ટેટ હાઇવે પર ગતરોજ ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ આશાસ્પદ યુવાનોના મોત થયા છે.
રફ્તારની મજા, મોતની સજા : નવસારી શહેરના મધ્યમાં આવેલા વેજલપુર વિસ્તારના ત્રણ યુવાન મિત્રો અર્જુન વલ્લભપ્રસાદ બિદ, વિકાસ બચ્ચા પ્રસાદ ડુબે અને અંકિત રામગોપાલ મિશ્રા 26 નવેમ્બર રાત્રિના 11:30 વાગ્યે સમયે પોતાનું મોટર સાયકલ હીરો હોન્ડા સ્પ્લેન્ડર પર ત્રણ સવારી થઈ કોઈ કામ અર્થે સુરત તરફ જઈ રહ્યા હતા. જેમાં બાઈક વિકાસ દુબે હંકારી રહ્યો હતો.
ત્રણ આશાસ્પદ યુવાનનું મોત : આ દરમિયાન વાહન ચાલકે ગફલત ભરી રીતે પોતાનું વાહન ચલાવ્યું હતું, જેના કારણે બાઈકનું બેલેન્સ ખોરવાતા નવસારી-સુરત સ્ટેટ હાઇવે પર આવેલા જલાલપુર તાલુકાના કોલાસાણા ગામ પાસેના બસ સ્ટેન્ડ સાથે ધડાકાભેર અથડાયા હતા. જેથી તેઓના ચહેરા અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા વધુ પડતું લોહી વહી ગયું હતું. જેના કારણે ત્રણેય યુવકોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
પોલીસ કાર્યવાહી : આ ઘટનાની જાણ મરોલી પોલીસ સ્ટેશનને થતા મરોલી પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ અકસ્માતમાં અર્જુન વલ્લભ પ્રસાદ બિન્દ, અંકિતકુમાર રામગોપાલ મિશ્રા અને વિકાસ બચ્ચાપ્રસાદ ડુબેનું મોત નીપજ્યું છે.