સુરત : ઉધનામાં દારૂના ધંધામાં નામચીન એવા કાલુ નિકમ નામના બૂટલેગરની કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. ડીંડોલીના મહાદેવ નગરમાં રહેતા કાલુ નિકમની રેકી કર્યા બાદ ઘર બહાર જ તેને રહેંસી નાખવામાં આવ્યો છે. ડીંડોલી પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર બુટલેગર કાળું નિકમ ગત રોજ રાત્રીના સમયે પોતાના ધંધા પરથી ઘરે પરત ફર્યો હતો. તે દરમ્યાન ઘરની બહાર જ તે પોતાની ફોર વ્હીલ કારમાં બેસી કોઈક વ્યક્તિ જોડે ફોન પર ચર્ચા કરી રહ્યો હતો. જે વેળાએ દસથી બાર જેટલા અજાણ્યા શખ્સો હાથમાં તલવાર અને ઘાતક હથિયારો લઈ ત્યાં ઘસી આવ્યા હતા. હુમલાખોરોએ કારમાં બેઠેલા કાલુ પર તલવાર વડે ઉપરાઉપરી ઘા કરી દીધા હતા. જ્યાં હુમલાથી બચવા માટે કાળું પોતાના ઘરમાં દોડ્યો હતો.
પરંતુ કાલુની મોત નિશ્ચિત હતી, તેમ પાછળથી હુમલાખોરોએ તલવાર અને ચપ્પુના ઘા ઝીંકી દેતા તેનું મોત નિપજ્યુ હતું. ઘટનાના પગલે સ્થાનિક લોકો અને ઘરના સભ્યોમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો. ઘટનાની જાણકારી ડીંડોલી પોલીસને મળતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને તપાસ શરૂ કરી હતી. હુમલાની ઘટના બાદ મિત્રો સારવાર અર્થે સુરતના અઠવાગેટ વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલ લઈ આવ્યા હતા. પરંતુ ફરજ પર હાજર તબીબોએ પણ કાલુને મરણ જાહેર કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચકચારીત હત્યાની આ ઘટના CCTV કેમેરામાં પણ કેદ થવા પામી છે. જે ફૂટેજમાં તમામ શખ્સો કેદ થયા છે. ફુટેજની અંદર પણ સ્પષ્ટ જોવા મળે છે કે, કઈ રીતે બુટલેગર કાલુ પર અજાણ્યા શખ્સો હુમલો કરી રહ્યા છે. જેમાં તમામ હુમલાખોરોના હાથમાં ઘાતક હથિયારો પણ જોવા મળે છે. ડીંડોલી પોલીસે હાલ ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે, સુરતમાં કરફ્યુના સમય દરમ્યાન બનેલી આ ઘટના પોલીસ પેટ્રોલિંગ સામે સવાલ ઉભા કરે છે.
જો સ્થાનિક પોલીસનું પેટ્રોલિંગ હોત તો ક્યાંક આ ઘટનાને રોકી શકાય હોત. હત્યા પાછળનું કારણ ધંધાની જૂની અદાવત હોવાનું પણ જાણવા મળે છે.