સુરતમાં BRTS રૂટ લોકો માટે કાળમાં સાબિત થઈ રહ્યો છે. ભૂતકાળમાં બેફામ દોડતી BRTS બસના ચાલકો દ્વારા અસંખ્યા અકસ્માતો કરવામાં આવ્યા છે. જેમાં કેટલાક નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યાં ફરી આવી જ ઘટનાનુ સુરતમાં પુનરાવર્તન થયું છે. અડાજણ પાલ વિસ્તારમાં આવેલા BRTS રૂટ પર ઝેબ્રા ક્રોસિંગ કરી રહેલા દસ વર્ષીય શ્રમજીવી પરિવારના માસૂમ બાળકને પુરપાટ ઝડપે દોડી આવતી બસના ચાલકે અડફેટે લીધો હતો. જ્યાં ઘટનાસ્થળે જ માસુમનું કરુણ મોત નીપજ્યું હતું.
આ ઘટના બાદ બસ ચાલક BRTS બસ મૂકી નાસી છૂટ્યો હતો. જ્યારે ઘટનાની જાણકારી મળતા અડાજણ પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી અને બસનો કબ્જો લઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. માસુમ પુત્રના મોતને લઈ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. દસ વર્ષીય મૃતક ગણેશના પિતા રેતી ભરવાની ટ્રક પર કાળી મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જો કે માસુમના મોત બાદ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. અડાજણ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી બસ ચાલકની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.