- બ્રેઈનડેડ પરેશભાઈ ચંદુલાલ શાહના પરિવારે તેમના લિવર અને ચક્ષુઓનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું
- દેશમાં અંગદાનનું પ્રમાણ ખુબ જ ઓછું
- લિવરને સમયસર પહોંચાડવા 280 કિ.મીનો ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો
સુરત: શ્રી જૈન સુડતાલીસ શ્રીમાળી સમાજના બ્રેઈનડેડ પરેશભાઈ ચંદુલાલ શાહના પરિવારે તેમના લિવર અને ચક્ષુઓનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. કોવિડ-19 મહામારીની બીજી લહેર પછી ગુજરાતમાં સુરતમાંથી ડોનેટ લાઈફના માધ્યમથી અંગદાન કરાવવાની સૌપ્રથમ ઘટના છે.
જાણો સમગ્ર ઘટના અંગે
પ્રાપ્ત વિગતો મુજબ, મજુરાગેટ પાસે આવેલા બોથરા ફાઈનાન્સ લીમીટેડમાં મેનેજર તરીકે ફરજ બજાવતા પરેશભાઈ કોવિડ મહામારીને કારણે થોડા સમયથી રજા ઉપર હતા. બુધવાર તારીખ 12 મે ના રોજ પરેશભાઈ તેમની પત્ની પદમાબેન સાથે આ કંપનીમાં તેમનો પગાર લેવા માટે ગયા હતા. પગાર લઈને તેઓ ઓફીસમાંથી નીચે ઉતરતા હતા ત્યારે ચક્કર આવવાથી પડી ગયા હતા. તેમજ તેમને ઉલ્ટી થતાં તેઓને તાત્કાલિક બાજુમાં આવેલી નિર્મલ હોસ્પિટલમાં ઓફીસ સ્ટાફની મદદથી ડો. ગૌરીશ ગડબૈલની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. નિદાન માટે CT સ્કેન કરાવતાં મગજની નસો ફાટી જવાથી બ્રેઈન હેમરેજ થયું હોવાનું સામે આવ્યું હતું.
દેશમાં અંગદાનનું પ્રમાણ ખુબ જ ઓછું
ડૉક્ટરોએ ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી પરેશભાઈના બ્રેઇનડેડ અંગેની જાણકારી આપી અને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. દેવાંગ, ચિરાગ, પ્રકાશભાઈ અને યશવંતભાઈએ પરિવારના અન્ય સભ્યો સાથે ચર્ચા કરી નક્કી કર્યું કે અમારું સ્વજન તો બ્રેઈનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત છે, ત્યારે કોવિડ-19 ની મહામારીના સમયમાં જયારે દેશમાં અંગદાનનું પ્રમાણ ખુબ જ ઓછુ છે ત્યારે પરેશભાઈના અંગોના દાન દ્વારા ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવાનો નિર્ણય લીધો હતો. પરિવારને સમજાવવા પરેશભાઈના ભાઈ પ્રકાશભાઈનું ખુબ જ મહત્વનું યોગદાન રહ્યું હતું.
લોજીસ્ટીક પ્રોબ્લેમને કારણે ફેફસા અને હૃદયનું દાન થઇ શક્યુ ન હતું
પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા નિલેશ માંડલેવાલાએ State Organ and Tissue Transplant Organization (SOTTO)ના કન્વીનર ડૉ.પ્રાંજલ મોદીનો સંપર્ક કરી કિડની, લિવર, હૃદય અને ફેફસાના દાન માટે જણાવ્યું હતું. SOTTO દ્વારા લિવર અમદાવાદની સીમ્સ હોસ્પિટલને ફાળવવામાં આવ્યું હતું. જોકે, બંને કિડની ખરાબ થઇ ગઈ હોવાથી તેનું દાન થઇ શક્યું ન હતું. હૃદય અને ફેફસાના દાન માટે SOTTO દ્વારા ROTTO મુંબઈ અને ROTTO મુંબઈ દ્વારા NOTTO નો સંપર્ક કરવામાં આવ્યો હતો. NOTTO દ્વારા ફેફસાને હૈદરાબાદની એક હોસ્પિટલને તેમજ હૃદય ચેન્નાઈની એક હોસ્પિટલને ફાળવવામાં આવ્યાં હતા, પરંતુ લોજીસ્ટીક પ્રોબ્લેમને કારણે ફેફસા અને હૃદયનું દાન થઇ શક્યું ન હતું.
છેલ્લા દોઢ વર્ષથી તેઓ લિવર સીરોસીસની બીમારીથી પીડાતા હતા
અમદાવાદની સીમ્સ હોસ્પિટલના ડૉ.આનંદ ખખ્ખર અને તેમની ટીમે આવી લિવરનું દાન સ્વીકાર્યું હતું. જયારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેંકના ડૉ.પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું. દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ વડોદરાના રહેવાસી 64 વર્ષીય વ્યક્તિ કે જેઓ છેલ્લા દોઢ વર્ષથી લિવર સીરોસીસની બીમારીથી પીડાતા હતા. તેમાં અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં ડૉ.આનંદ ખખ્ખર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
લિવરને સમયસર પહોંચાડવા 280 કિ.મીનો ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો
લિવરને સમયસર અમદાવાદ પહોંચાડવા માટે સુરત નિર્મલ હોસ્પિટલથી અમદાવાદની સીમ્સ હોસ્પિટલ સુધીનો 280 કિ.મીનો ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો. જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેરો અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો. અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા ઓર્ગન અને ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટેશનની રાજ્ય સલાહકાર સમિતિના સભ્ય અને ડોનેટ લાઈફના સ્થાપક પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.