- સુરતના ભૂતકાળ તથા ઐતિહાસિક વારસા વિશે ઘણું સંશોધન કર્યું
- ઓનલાઇન માધ્યમથી પણ લોકો જોડાયા
- પુસ્તકને નર્મદ યુનિવર્સિટીમાં પણ સ્થાન મળે
સુરત: શહેરના ખૂબ જ જાણીતા વકીલ, કોર્પોરેટર, પ્રોફેસર અને આઠ ભાષાના જાણકાર તથા વિદ્વાન એવા સ્વર્ગસ્થ શશીકાંત જરદોશનું સાહિત્ય ક્ષેત્રે ઘણું મોટું પ્રદાન હતું. તેમના મૃત્યુના 37 વર્ષ બાદ તેમના પરિવારજનોએ તેમણે લખેલા સંખ્યાબંધ લેખોમાંથી થોડાક લેખોનું સંકલન કરી 'ભાઈના સર્જનના અંશ' નામના પુસ્તકનું વિમોચન સાંસદ દર્શના જરદોશના હસ્તે કરવામાં આવ્યું હતું.
સુરતના ભૂતકાળ તથા ઐતિહાસિક વારસા વિશે ઘણું સંશોધન કર્યું
તેઓ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, ઉર્દુ, પર્શિયન, અરેબિક અને ફારસી તમામ ભાષાના પારંગત હતા. શશીકાંત જરદોશ વ્યવસાયે વકીલ હતા. વાડિયા વિમેન્સ કોલેજમાં પ્રોફેસર તરીકે પણ માનદ્ સેવા આપતા હતા. હિન્દી વિનીત, કોવિદના પરીક્ષક તરીકે પણ સેવા આપતા હતા. તેઓ શાયર પણ હતા તથા ઉર્દુ ગઝલ પણ સારી રીતે લખતા હતા. તેમના કાર્યકાળ દરમિયાન અખબારોમાં તે પીટીઆઈથી અંગ્રેજીમાં આવતા સમાચારનો ગુજરાતીમાં તરજુમો કરતા હતા. આ ઉપરાંત નવનીત - સમર્પણ, કુમાર તથા જુદા જુદા અખબારોમાં પણ કોલમ લખતા હતા. સુરતના ભૂતકાળ તથા ઐતિહાસિક વારસા વિશે ઘણું સંશોધન કર્યું હતું તથા લેખો લખ્યા હતા.
ઓનલાઇન માધ્યમથી પણ લોકો જોડાયા
પુસ્તક વિમોચનના આ કાર્યક્રમમાં હિમાંશુભાઈ પારેખ પ્રિન્સિપાલ તથા મિત્રો તથા કુટુંબીજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. કોરોનાને કારણે ઝુમ લિંક દ્વારા પણ સુરત તથા અન્ય શહેરો તથા પરદેશથી પણ મિત્રો તથા સગા વ્હાલા સૌએ સ્વર્ગસ્થ શશીકાંતભાઈના પ્રસંગનો અનેરો આનંદ માણ્યો હતો.
પુસ્તકને નર્મદ યુનિવર્સિટીમાં પણ સ્થાન મળે
એમના મિત્ર વસીમ મલિકે જણાવ્યું હતું કે, આ પુસ્તક ખુબ જ મહેનતથી તૈયાર કરવામાં આવ્યું છે. શશીકાંતના લેખો વિશે ખૂબ જ સંશોધન થવું જોઈએ તો આપને ભૂતકાળની ઘણી બધી માહિતી જાણવા મળી શકે તેમ છે. હિમાંશુભાઈ પારેખે ગર્વ પુર્વક કહ્યું કે, આ પુસ્તકને નર્મદ યુનિવર્સિટીમાં પણ સ્થાન મળવું જોઈએ, જ્યાં ઈતિહાસના વિદ્યાર્થીઓ તેના વિશે વધારે જાણકારી મેળવશે. કારણ કે, આ પુસ્તકમાં 21 લેખોમાંથી છેલ્લા દસ લેખોમાં તો સુરતના ભવ્ય ભૂતકાળ અને ઇતિહાસનું સચોટ વર્ણન કરેલું છે જે ખૂબ જ જાણવા જેવું છે. સાંસદ દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, શશીકાંત પ્રખર ભાષાશાસ્ત્રી હતા અને આ પુસ્તક ઈ-પુસ્તક તરીકે પણ રજૂ થવું જોઈએ તો તેનો લાભ વધારે લોકો મેળવી શકે.