સુરત: ત્રણ દિવસના વિરામ બાદ આજે સુરત શહેરમાં વહેલી સવારે ભારે વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી હતી તેમજ લોકોને ભારે હાલાકી પડી હતી. આ બધા વચ્ચે કતારગામ વેડ [વોર્ડ નબર 7] ના કોર્પોરેટર જ્યોતિ પટેલે સ્વ પ્રસિદ્ધિના ચક્કરમાં શોશ્યલ મીડિયામાં એક ફોટો પોસ્ટ કર્યો હતો.
ફોટામાં ઠેર ઠેર પાણી: ફોટાના કેમ્પશનમાં તેઓએ લખ્યું હતું કે મારો વિસ્તાર મારું ગૌરવ પરંતુ જે ફોટો અપલોડ કરવામાં આવ્યો હતો. તેમાં ઘુટણસમાં પાણી ભરાયેલા હતા અને વિદ્યાર્થી સહીત વાહન ચાલકો ભારે હાલાકી ભોગવતા નજરે ચઢ્યા હતા. આ ફોટો અપલોડ થયા બાદ તેઓ ખુબ ટ્રોલ થયા હતા.
સમસ્યાને ગૌરવમાં ખપાવવાનો પ્રયાસ: ઉલ્લેખનીય છે કે મહિલા કોર્પોરેટર જ્યોતિ પટેલ દ્વારા જે પોસ્ટ સાથે તસ્વીરો મુકવામાં આવી હતી તેમાં રાહદારીઓ સહીત વાહન ચાલકોની હાલાકી સ્પસ્ટ નજરે પડી હતી. એક તરફ નોકરી ધંધે જતા લોકો તેમજ શાળા અને ટ્યુશને જતા વિદ્યાર્થીઓ વરસાદી પાણીનો ભરાવો થતા ભારે હાલાકી ભોગવી રહ્યા હતા. ત્યારે બીજી તરફ એક મહિલા કોર્પોરેટર દ્વારા આ રીતે આ સમસ્યાને ગૌરવમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવતા આ વિસ્તારના નાગરીકોમાં પણ રોષની લાગણી જોવા મળી હતી જો કે ભારે ટ્રોલ થતા કોર્પોરેટરે પોસ્ટ ડીલીટ કરવાની ફરજ પડી હતી.
શું કહ્યું કોર્પોરેટરે: પોતાનો લૂલો બચાવ કરતા કોર્પોરેટરે જ્યોતિ પટેલએ જણાવ્યું હતું કે ફોનમાં બેટરી લો થવાના કારણે પાણી ભરાયા બાદ જે ફોટો અપલોડ કરવાના હતા. તે રહી ગયા હતા અને તે ફોટો પોસ્ટ કરી શકી ન હતી. અર્ધી કલાકમાં જ પાણી ઓસરી ગયું હતું અને જે કામગીરી થઇ હતી તે ફોટો અપલોડ કરવાના રહી ગયા હતા.