સુરત : અરબી સમુદ્રમાં બિપોરજોય નામનું વાવાઝોડું હાલ સક્રિય થઈ રહ્યું છે. જેના કારણે સુરત જિલ્લાના 42 જેટલા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. તમામ મામલતદાર કચેરીમાં કંટ્રોલરૂમ તૈયાર કરાયો છે અને ગામના લોકોને સુરત ડિઝાસ્ટર વિભાગ દ્વારા સતત રહેવા માટે જણાવવામાં આવ્યું છે. કારણ કે તારીખ 9 અને 10 જૂનના રોજ આજ વાવાઝોડાના કારણે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
સુરતના 42 ગામ એલર્ટ : ગુજરાતના દરિયાકાંઠે સંભવિત વાવાઝોડાના ખતરાને લઈ સરકાર અને સ્થાનિક તંત્ર એલર્ટ છે. આ સાઇક્લોન સર્ક્યુલેશન હાલ લો પ્રેશરમાં છે. જેના કારણે ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી રહી છે સાથે ઝડપી પવન ફૂંકાઈ શકે છે. હવામાન ખાતાના એલર્ટના પગલે સુરત જિલ્લામાં પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારી અને કર્મચારીઓ એલર્ટ થઈ ગયા છે
જિલ્લા તંત્રની સાવચેતી : આ સાયકલોનની દિશા પર સતત નજર રાખવામાં આવી રહી છે. હાલ તમામ અધિકારી અને કર્મચારીઓની રજા પણ રદ કરવામાં આવી છે. માછીમારોને પણ દરિયામાં ન જવા માટેની સૂચના અપાઇ છે. સુરત જિલ્લાના ઇન્ચાર્જ કલેક્ટર બી.કે.વસાવા એ જણાવ્યું હતું કે, આ સાયક્લોનના કારણે અસરગ્રસ્ત ગામોની વાત કરવામાં આવે તો સુરત જિલ્લામાં 42 જેટલા આવા ગામ છે જેની ઉપર તે અસર કરી શકે છે. જેથી આ તમામ ગામના લોકોને અગાઉથી જ સૂચના આપવામાં આવી છે કે તેઓ આ સાયક્લોનને લઈને સતર્ક રહે.
અમે માછીમારોને પણ દરિયામાં ન જવા માટેની સૂચના આપી છે અને જે માછીમારો દરિયામાં ગયા છે તેમને પણ પરત આપવા માટે અપીલ કરવામાં આવી છે. સુરત જિલ્લામાં તારીખ 9 અને 10 જૂનના રોજ આ સાયકલોનની અસર જોવા મળી શકે છે. જેથી આ બંને દિવસમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાઈ શકે છે. પરંતુ લોકોને ગભરાવાની જરૂર નથી. માત્ર તેઓ સતર્ક રહે તે જરૂરી છે...બી. કે. વસાવા (ઇન્ચાર્જ કલેક્ટર, સુરત)
શેલ્ટર હોમની પણ વ્યવસ્થા : આ સાથે તેઓએ જણાવ્યું હતું કે સુરત જ દરિયા કિનારે ખાસ બે બીચ આવેલા છે. ડુમ્મસ અને સુવાલી બીચને અમે કોઈ પણ સાયકલોનની પરિસ્થિતિમાં એક દિવસ પહેલા બંધ કરી દેતા હોઇએ છીએ. આ વખતે પણ સાયકલોનની જે આગાહી છે તેને ધ્યાનમાં રાખી એક દિવસ પહેલા આજે બંને બીચ લોકો માટે બંધ કરી દેવામાં આવશે. સાયકલોનની પરિસ્થિતિ જોઈ સરકાર એનડીઆરએફની ટીમ મોકલશે. ગામના લોકોને એલર્ટ કરવાની સાથે અમે શેલ્ટર હોમની પણ વ્યવસ્થા કરી છે.
12 ગામો સૌથી પહેલાં સાયક્લોન પ્રભાવિત થશે : અત્રે ઉલ્લેખનીય છે કે સુરત જિલ્લાના દરિયાકાંઠે 12 એવા ગામો છે જે સૌથી પહેલા સાયક્લોનના કારણે પ્રભાવિત થશે. તેના અનુસંધાને આ તમામ ગામમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ જઈ અગાઉથી જ તેમને એલર્ટ કરી દીધું છે. આ સાથે દરેક ગામમાં જે સરકારી શાળાઓ છે ત્યાં શેલ્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત જે 12 એવા ગામ છે જે સૌથી પહેલા પ્રભાવિત થશે ત્યાં અતિરિક્ત શેલ્ટર હોમની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.