- બારડોલી શુગર ફેક્ટરીની 2020-21 વર્ષ માટે નવી પીલાણ સિઝનનો પ્રારંભ
- ઉપપ્રમુખ ભાવેશ પટેલના હસ્તે કરવામાં આવ્યો પ્રારંભ
- નવી પીલાણ સિઝનમાં 16 લાખ મેટ્રિક ટન શેરડીનું પીલાણ થશે
બારડોલી: સહકારી ક્ષેત્રમાં એશિયાની સૌથી મોટી શુગર ફેક્ટરીમાં ગણના પામનાર બારડોલી શુગર ફેક્ટરીની 2020-21ના વર્ષ માટે નવી પીલાણ સિઝનનો સોમવારના રોજ પ્રારંભ કરવામાં આવ્યો હતો. શુગર ફેક્ટરીના પ્રમુખ રમણલાલ પટેલ, ઉપપ્રમુખ ભાવેશભાઈ પટેલ સહિતના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ તેમજ MD પંકજ પટેલ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં પીલાણ સિઝનનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રમુખ રમણલાલે આ સિઝનમાં 16 લાખ મેટ્રિક ટન શેરડીના પીલાણનો લક્ષ્યાંક રાખવામા આવ્યો હોવાનું જણાવ્યુ હતું.
ઉપપ્રમુખના હસ્તે પીલાણ સિઝનનો પ્રારંભ
કોરોના મહામારી જેવી વિપરીત પરિસ્થિતી વચ્ચે ખાંડ ઉદ્યોગની નવી પીલાણ સિઝનનો પ્રારંભ થઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતની એક પછી એક સુગરમિલોનું પીલાણ કાર્ય શરૂ થઈ રહ્યું છે. સોમવારના રોજ બારડોલી સુગરમિલની પીલાણ સિઝનનો વિધિવત પ્રારંભ થયો હતો. ઉપપ્રમુખ ભાવેશ પટેલના યજમાન પદે પૂજા કરવામાં આવી હતી. પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ તેમજ અધિકારીઓએ કન્વેયર બેલ્ટ પર શેરડી મૂકી પીલાણ સિઝનનો પ્રારંભ કરાવ્યો હતો.
આગેવાનો રહ્યા ઉપસ્થિત
આ પ્રસંગે સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કના પ્રમુખ નરેશ પટેલ, શુગર ફેક્ટરીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના સભ્યો અનિલ પટેલ(કરચકા), હેમંત હજારી, પરિમલ પટેલ તેમજ અન્ય સભ્યો ઉપરાંત એમડી પંકજ પટેલ સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ખેડૂત સભાસદ તરફથી પીલાણ માટે આવતી બળેલી શેરડી પણ શુગર મિલો માટે ખૂબ જ મોટી સમસ્યા પેદા કરી રહી છે. તમામ સુગરમિલોમાં બળેલી શેરડીનું પ્રમાણ વધુ હોવાથી રિકવરી પણ ઓછી આવે છે. આથી જો સંસ્થામાં બળેલી શેરડીનું ઓછું થાય તો ખેડૂત સભાસદો માટે જ ફાયદાકારક હોવાનું જાણકારો માની રહ્યા છે.