બારડોલી: છેલ્લા ત્રણ દિવસથી બારડોલી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ગુરૂવારના રોજ તાપી જિલ્લાના વાલોડ અને વ્યારા તાલુકામાં ભારે વરસાદ થતાં મીંઢોળા નદીમાં પાણીની આવક વધી હતી. મોડી સાંજે બારડોલીમાં મીંઢોળા નદીની જળ સપાટી વધતા નદી કિનારે આવેલા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની શરૂઆત થતા રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
"ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે નદીમાં પાણીની આવક વધી રહી છે. સલામતી કારણોસર નદીકિનારે નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. સાથે જ લો લેવલ બ્રિજ પણ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે"--પી.બી.ગઢવી ( સુરત જિલ્લા ફાયર ઓફિસર)
ખુશીનો માહોલ: બારડોલીમાં સિઝનનો 15.60 ઇંચ વરસાદ બારડોલી તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. ગુરુવારે રાત્રે 8 વાગ્યે પુરા થતા 24 કલાક દરમ્યાન કુલ 5.86 ઇંચ વરસાદ વરસ્યો હતો. અત્યાર સુધી બારડોલી તાલુકામાં સિઝનનો 15.60 ઇંચ વરસાદ નોંધાઇ ચુક્યો છે. વરસાદને કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ઉપરવાસમાં ગુરુવારે સવારથી ભારે વરસાદને કારણે બારડોલીથી પસાર થતી મીંઢોળા નદીમાં પાણી આવકમાં વધારો થયો છે.
પોલીસ બંદોબસ્ત: રામજી મંદિરથી હાઇવેને જોડતા રાસ્તા પર આવેલા લો લેવલ બ્રિજથી માત્ર 3 - 4 ફૂટ જેટલું જ અંતર બાકી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ નદીકિનારે આવેલા કોર્ટની સામેની વસાહત અને તલાવડી વિસ્તારમાં પાણી ભરાવવાની શરૂઆત થઈ હોવાની વિગતો સાંપડી હતી. જો કે આ અંગે તંત્ર અજાણ હોવાનું જાણવા મળ્યું હતું. લો લેવલ બ્રિજ બંધ કરવામાં આવ્યો નદીમાં સતત પાણીની સપાટી વધી રહી હોય રામજી મંદિરથી હાઇવેને જોડતો લો લેવલ બ્રિજ મોડી રાત્રે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. બ્રિજની બંને બાજુ બેરીકેટ્સ મુકવાની સાથે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.