- બે દિવસમાં 1200 જેટલા ઈન્જેક્શન હોસ્પિટલો સુધી પહોંચાડાયા
- સરકારી કર્મચારીઓ જાતે જ ઈન્જેક્શન પહોંચાડે છે
- તંત્રની ગોઠવણને કારણે લોકોને સરળતાથી ઈન્જેક્શન મળતા થયા
સુરતઃ એક તરફ સુરત સહિતના મોટા શહેરોમાં કોરોનાની સારવારમાં જરૂરી રેમડેસીવીર ઈન્જેક્શન માટે હોસ્પિટલો અને મેડિકલ સ્ટોર્સ પર દર્દીના સગાઓની લાંબી કટાર જોવા મળી રહી છે, ત્યારે સુરત જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા એક અનોખી વ્યવસ્થા કરવામાં આવતા તમામ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોને ખૂબ જ સરળતાથી ઈન્જેકશનનો જથ્થો પહોંચી રહ્યો છે. સરકારી કર્મચારીઓ બારડોલી એસ.ડી.એમ.(સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ)ની દેખરેખ હેઠળ જરૂરિયાતવાળી હોસ્પિટલો સુધી આ જથ્થો દિવસ રાત પહોંચાડી રહ્યાં છે.

અનેક સ્થોળે ઈન્જેક્શનની થઈ રહી છે કાળા બજારી
છેલ્લા કેટલાક દિવસોથી રેમડેસીવીર ઈન્જેકશનની અછતને કારણે રાજ્યભરમાં ભારે ઉહાપોહ મચ્યો છે. અનેક ઠેકાણે ઈન્જેક્શનની કાળાબજારી થઈ રહી છે. અંદાજિત 600થી 700 રૂપિયાનું ઈન્જેક્શન 5 હજારથી 12 હજાર રૂપિયામાં મળી રહ્યું છે. ઈન્જેકશન સમયસર નહીં મળવાથી અનેક દર્દીઓએ જાન ગુમાવવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચોઃ અમે કાયદેસર રીતે જ રેમડેસીવીર ઈન્જેક્શન મેળવ્યા છેઃ સી. આર. પાટીલ
હોસ્પિટલમાંથી ઈ-મેલ આવતા જ તંત્રના કર્મચારીઓ ઈન્જેક્શન પહોંચાડી દે છે
બારડોલીના વહીવટી તંત્ર દ્વારા રેમડેસીવીર ઈન્જેક્શનને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા સુરત જિલ્લા માટે રેમડેસીવીર ઈન્જેકશનનો જે જથ્થો ફાળવવામાં આવ્યો છે જેનો વહીવટ બારડોલી પ્રાંત કચેરી ખાતેથી થઈ રહ્યો છે. બારડોલી પ્રાંત દ્વારા સમગ્ર જિલ્લામાં તાલુકા માટે અલગ-અલગ ઈ-મેલ આઈડી જાહેર કરવામાં આવ્યાં છે. જે ઈ-મેલ આઇડી પર હોસ્પિટલ દ્વારા જથ્થાની જરૂરત અને દર્દીના નામ અને ઓળખકાર્ડ સાથે ફોર્મ મોકલવાનું હોય છે. ઈ-મેલ મળ્યાના ગણતરીના કલાકોમાં જ બારડોલી પ્રાંત કચેરીના કર્મચારી જે તે હોસ્પિટલ સુધી આ જથ્થો સમયસર પહોંચાડી દે છે.

આ પણ વાંચોઃ રેમડેસીવીરની રાજનીતિઃ પાટીલનો દાવો, રાજ્ય સરકારે ઈન્જેક્શન માટે કોઈ મદદ કરી નથી
દર્દીઓના સગાને ધક્કા ખાવામાંથી મુક્તિ
આ નિર્ણયને કારણે દર્દી કે હોસ્પિટલના પ્રતિનિધિએ કચેરી સુધી ધક્કા ખાવા પડતાં નથી અને સમયસર હોસ્પિટલમાં જ ઈન્જેકશન ઉપલબ્ધ થવાથી દર્દીને સમયસર સારવાર પણ મળી રહી છે.
અત્યાર સુધીમાં 1200 ઈન્જેકશન પહોંચાડવામાં આવ્યા
બારડોલી SDM વી.એન.રબારીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 1200 જેટલા ઈન્જેક્શન જિલ્લાની અલગ-અલગ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં પહોંચાડવામાં આવી રહ્યા છે. તમામને પૂરતા પ્રમાણમાં ઈન્જેકશનનો જથ્થો પણ મળી રહ્યો હોય હાલ ચિંતાની કોઈ વાત નથી.
સરકારની કામગીરી સરાહનીય
બારડોલીની ખાનગી હોસ્પિટલના ચિકિત્સક ડૉ. સુમિત ચૌધરીએ પણ સરકારની કામગીરીને બિરદાવી હતી. તેમણે જણાવ્યુ હતું કે, ઈન્જેકશનની જે અછત વર્તાય રહી હતી તે હવે પૂરી થઈ રહી છે. આવા આયોજનથી લોકોને પૂરતા પ્રમાણમાં જથ્થો મળવાથી સમયસર સારવાર થઈ શકશે.