- સસરા તથા તેમના મિત્રએ કરી હત્યા
- અંત્રોલીમાં અવાવરું જગ્યામાં હત્યા કરી લાશ ફેંકી દીધી હતી
- બંન્ને આરોપીઓ મૃતકને વચ્ચે બેસાડી લઈ જતા CCTVમાં દેખાયા
સુરત : પલસાણા તાલુકાના વાંકાનેડા ગામેથી ગુમ થયેલા રાહુલ શંકર પ્રસાદ શાહ (ઉ.વર્ષ-32)ની શોધખોળ ચાલી રહી હતી. તે દરમિયાન પોલીસને વરેલીની ગીતગોવિંદ સોસાયટીમાં રહેતા તેના સસરા મનોજ નંદપ્રસાદ ઝા પર શંકા ગઇ હતી. શંકા થતા તેની અને તેના મિત્રની કડકાઇથી પૂછપરછ કરાઇ હતી. જેમાં બંનેએ સાથે મળીને રાહુલનું અપહરણ કર્યું હતું. તેને અંત્રોલી ગામની સીમમાં રીંકું સ્કૂલની પાછળ ઝાડી-ઝાંખરાંમાં લઈ જઇ હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું
સમગ્ર ઘટનામાં પોલીસે બંન્ને આરોપીઓ મનોજ દંડ પ્રસાદ ઝા અને તેના મિત્ર રણજીત સંજયસિંગ રાજપૂતની ધરપકડ કરી હતી. શનિવારના રોજ કડોદરા GIDC પોલીસ દ્વારા બંને આરોપીઓને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. અપહરણ કરવાથી લઈને હત્યા કરવામાં આવી હતી. સમગ્ર ગતિવિધિનું પોલીસે બારીકાઈથી નિરક્ષણ કર્યું હતું.
મનોજની પુત્રી સ્વીટીએ ચાર વર્ષ પહેલા મૃતક રાહુલ સાથે પિતાની મરજી વિરુદ્ઘ પ્રેમ લગ્ન કર્યા હતા. તેની અદાવત રાખી મનોજે તેના મિત્ર રણજીત સાથે મળી રાહુલનું બાઇક પર અપહરણ કરી અંત્રોલી ગામની સીમમાં અવાવરુ જગ્યા પર લઈ જઇ હત્યા કરી હતી.
CCTV ફૂટેજ થયા જાહેર
પોલીસ દ્વારા CCTV ફૂટેજ પણ જારી કરવામાં આવ્યા છે. જેમાં ગત 25મી જાન્યુઆરીના રોજ અલગ-અલગ જગ્યાએ CCTV ફૂટેજમાં રણજીત બાઇક ચલાવે છે વચ્ચે રાહુલને બેસાડવામાં આવ્યો છે જ્યારે તેની પાછળ સસરો મનોજ બેઠો છે. આ ઉપરાંત એક વાંકાનેડા ગામમાં એક જગ્યાએ રાહુલ જેમ-તેમ કરીને તેઓના હાથમાંથી નાસી છૂટ્યો હતો. પરંતુ મનોજ અને રણજીતે ચાલાકી વાપરીને પકડી પાડ્યો. તેઓએ મારી છોકરીને લઈને ભાગી ગયો હોવાની બૂમાબૂમ કરતાં આસપાસના રહીશોએ રાહુલને પકડી મનોજને સોંપ્યો હતો અને તેની સાથે હાથપાઇ કરી હતી.