વિશ્વની હાવર્ડ યુનિવર્સીટીમાં ઇ.સ.1846માં 16 મી ઓક્ટોબરના રોજ દર્દીને એનેસ્થેસિયા આપીને શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી, ત્યારથી દર વર્ષે ઓક્ટોબર માસની 16મી ઓક્ટોબરે વર્લ્ડ એનેસ્થેસિયા ડેની ઉજવણી કરવામાં આવે છે.
વર્લ્ડ એનેસ્થેસિયા ડે નિમિત્તે સુરતના તબીબો દ્વારા લોક જાગૃતિ માટે રેલી યોજી આ અંગે સુરત એનેસ્થેસિયા એસોસિયેશનના ઉપપ્રમુખ ડો.હિરલ શાહ અને ડૉ.દિલીપ રાણપરિયાએ જણાવ્યું કે, દરેક દર્દી હોય કે પછી સામાન્ય વ્યક્તિ દરેક વ્યક્તિએ ઓપરેશન કરાવતા પહેલા આ ચાર બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. કોઈપણ ઓપરેશન પહેલા એનેસ્થેટીસ્ટ ડોક્ટર પાસે પ્રી- એનેસ્થેટિક ચેક અપ ફરજીયાત કરાવવું જોઇએ.આ દરમિયાન જો કોઇ દર્દીને ડાયાબિટીસ, પ્રેશર, ખેંચ માટેની દવા કે લોહી પાતળું કરવામાં ઉપયોગી દવાની રોજબરોજની જરૂરિયાત હોય તો તે માટેની માહિતી અવશ્ય આપવી જોઈએ. ઓપરેશન સમય પહેલાં કેટલા કલાક ભૂખ્યા રહેવું આ બાબતે સ્પષ્ટ જાણકારી મેળવવી જોઇએ. દરેક દર્દીએ તબીબને પોતાના કોઈપણ પ્રકારનું વ્યસન હોય તેની માહિતી આપવી જોઈએ.
દર્દીએ જો ભૂતકાળમાં કોઇ નાનું-મોટું ઓપરેશન કરાવ્યું હોય તો તેની માહિતી પણ અવશ્યપણે તબીબને જણાવવી જોઈએ. આ પ્રકારની સ્પષ્ટ માહિતી આપવાથી ઓપરેશન દરમિયાન કે ત્યારબાદ થતા કોમ્પ્લીકેશનો ટાળી શકાય છે.
જેથી લોકજાગૃતિ માટે સુરત એનેસ્થેસિયા એસોસિયેશન દ્વારા રેલીનું આયોજન કરી લોકજાગૃતિ માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે.