સુરત: રાજ્યમાં દિન-પ્રતિદિન અકસ્માતોની સંખ્યા વધતી જાય છે, મોટા શહેરોમાં તો અકસ્માત જાણે કે, સામાન્ય બની ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે. ટ્રાફિક નિયમનના સખત પગલાઓ ભરાતા હોવાનો દાવો કરતું તંત્ર આવા અકસ્માતો રોકવા માટે નિષ્ફળ સાબિત થતું હોય તેવું પણ લાગી રહ્યું છે. અકસ્માતની વધતી ઘટનાઓમાં વધુ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. જ્યારે બે BRTS બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.
એક બસ પાછળ બીજી બસ ઘુસી: સુરત શહેરના કતારગામ GIDC વિસ્તારમાં પ્રમુખસ્વામી બ્રિજ ઉતરતા બે BRTS બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક BRTS પાછળ બીજી BRTS બસ ઘૂસી ગઈ હતી. આ ગંભીર અક્સમાતને લઈને રસ્તા પર થોડીવાર માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો. જ્યારે અકસ્માતમાં બંને બસની વચ્ચે 5 જેટલા બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
અકસ્માતમાં 1નું મોત:આ અકસ્માતની ઘટનામાં 9 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં ચારની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું હતું. જ્યારે 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગના જવાનો તેમજ પોલીસ કાફલો બનાવ સ્થળે દોડી આવ્યો હતો. બીજી તરફ ઘટનાની જાણ થતાં જ શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયા પણ ઇજાગ્રસ્તોના ખબરઅંતર પૂછવા કિરણ હોસ્પિટલ દોડી આવ્યાં હતાં.
કેવી રીતે સર્જાયો અકસ્માત: આ મામલે સુરતના ડીસીપી પિનાકિન પરમારે જણાવ્યું હતું કે, કતારગામ પોલીસ સ્ટેશનની હદમાં એક BRTS બસે બ્રેક મારી હતી. જેમાં તેની પાછળ ચાર બાઈક હતા. જેના પર આઠ લોકો સવાર હતા. આ દરમિયાન બીજી એક BRTS બસ આવતા આગળની બસ સાથે અથડાઈ હતી. ત્યારે પાછળથી આવતી રીક્ષા અને ટેમ્પો પણ બસ સાથે અથડાઈ હતી.
બસ ચાલકની અટકાયત: હાલ બીઆરટીએસ ચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે કિરણ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. આ ઘટનામાં એકનું મોત થયું છે.