- આરોપી પ્રેમિકા સાથે ભાગવા માટે કારની લુટ કરી હોવાનું બહાર આવ્યું
- વેસુમાં ધોળા દિવસે બંદુકની અણીએ કારની લુંટ થઈ છે
- વિદ્યાર્થી કશ્યપ મહાવીર કોલેજમાં પહેલા વર્ષમાં એન્જિનિયરિંગમાં કરે છે અભ્યાસ
- ગુગલમાં સૌથી સસ્તુ શહેર સર્ચ કરતા કાનપુર જણાતા તેઓ ત્યાં ભાગી જવાના હતા
સુરત: શહેરના વેસુ વિસ્તારમાં આવેલા જોલી રેસિડેન્સીમાં રહેતા કપૂરચંદ જૈન તેમના પુત્ર સાથે દવાખાને ગયા હતા. જે બાદમાં દવા લેવા માટે એક મેડીકલ પાસે ઉભા હતા. આ દરમ્યાન વૃદ્ધ કારમાં બેઠા હતા. તે દરમ્યાન એક શખ્સ કારમાં બેસી ગયો હતો અને બંદુક (gun) બતાવી વૃદ્ધને કારમાંથી બહાર ફેંકી કાર લઈને ફરાર થઇ ગયો હતો. ધોળા દિવસે બનેલી આ ઘટનાથી સુરતમાં ચકચાર મચી છે. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને તપાસ શરુ કરી હતી.
નવસારી ટોલ નાકા પાસેથી આરોપી પ્રેમિકા સાથે ઝડપાયો
બીજી તરફ આ બનાવની જાણ થતા ક્રાઈમ બ્રાંચની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરુ કરી હતી. જેમાં માહિતી મળી હતી કે આરોપી કાર લઈને નવસારી ટોલ નાકા પાસેથી પસાર થઇ રહ્યો છે. જેથી પોલીસે નવસારી ટોલ નાકા પાસેથી યુવક-યુવતીને પકડી લીધા હતા.
પ્રેમિકા સાથે ભાગવા કોલેજીયન યુવકે લુટ કરી હતી
પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને પોલીસની પૂછપરછમાં કોલેજીયન યુવકનું નામ કશ્યપ ભાવેશ ભેસાણીયા હોવાનું બહાર આવ્યું હતું.વિદ્યાર્થી કશ્યપ મહાવીર કોલેજમાં પહેલા વર્ષમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરે છે. પિતા હીરાના કારખાનામાં કામ કરે છે. યુવકે ગુગલમાં સૌથી સસ્તુ શહેર સર્ચ કરતા કાનપુર (kanpur) જણાતા તેઓ ત્યાં ભાગી જવાના હતા. પોલીસે કાર, એરગન, લેપટોપ અને રોકડ 2.26 લાખ કબજે કરી હતી. કશ્યપે એરગન ઓનલાઇન મંગાવી હતી. તેમજ યુવતી સાથે પ્રેમ સબંધ હોય તેની સાથે ભાગી જવા માટે તેણે આ લૂંટ કરી હોવાનું જાણવા મળ્યું હતું. બંને લૂંટની કારથી કાનપુર જવા માટે નીકળ્યા હતા.