સુરત : સગરામપૂરા વિસ્તારમાં એક 8 વર્ષીય બાળકનું કરંટ લાગવાથી મોત થયું છે. સગરામપૂરા વિસ્તારમાં આવેલ તલાવડી ખાતે રહેતા આસિફ શેખ જેઓ લગ્ન પ્રસંગોમાં ઘોડાગાડી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો 8 વર્ષનો પુત્ર આકિબ શેખ જેઓ નહાવા માટે પાણી ગરમ કરવા માટે ડોલમાં હીટર મૂકવામાં આવ્યું હતું. જેમાં હાથ નાખતા કરંટ લાગતા તેનું મોત નિપજ્યું હતું. આકિબને સારવાર માટે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ માટે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે આકિબને મૃત જાહેર કર્યો હતો. જેના થકી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. સલાબતપુરા પોલીસ દ્વારા પરિવારનું નિવેદન લઇ પોસ્ટમોર્ટમની કાર્યવાહી શરૂ કરી છે.
આજે સવારે મેં આકિબને કહ્યું કે, આપણે બહાર જવાનું છે. ત્યારે તેણી મમ્મીએ તેના નહાવા માટે પાણી ગરમ કરવા માટે રાખ્યું હતું. ત્યારે તેને બ્રશ કરીને ડોલમાં હાથ નાખી દીધો હતો. તે સમયે તેનો અવાજ આવ્યો એટલે તેની મમ્મીએ હીટર બંધ કર્યું એટલે આકિબના મોંથી અવાજ આવતા જ બંધ થઈ ગયો હતો. હું તેને સારવાર માટે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો. અહીં ફરજ પરના ડોક્ટરે તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. - આસિફ ભાઈ શેખ, મૃતક આકિબના પિતા
કરંટ લાગવાના કારણે મોત થયું : આકિબ શેખ ધોરણ 3માં અભ્યાસ કરતો હતો. ગઈકાલે રવિવાર હોવાને કારણે સ્કૂલમાં તેની રજા હોવાના કારણે તેને હું બહાર ફરવા માટે લઈ જવાનો હતો. પરંતુ ગઈકાલે કામ હોવાને કારણે હું તેને બહાર ફરાવા માટે લઈ જઈ શક્યો ન હતો. તો મેં આકિબને કહ્યું કે, ચાલ આપણે આજે બહાર ફરવા જઇએ. આ સાંભળીને તે ખૂબ જ ખુશ થઈ ગયો હતો. પરંતુ ક્યાં ખબર હતી કે, આ ખુશી થોડીક જ વારમાં જ માતમમાં છવાઈ જશે.