સુરત: આજના સમયમાં યુવક-યુવતીઓ નાની-નાની વાતોમાં આપઘાત કરવા સુધીનું પગલું ભરી લઇ રહ્યા છે. આવો જ એક બનાવ સુરત જિલ્લાના કીમ ગામે સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ મૂળ યુપીના વતની અને હાલમાં કીમ ગામ સ્થિત આશિયાના નગર પાસે રહેતા 18 વર્ષીય યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.
પરિવાર શોકમાં ગરકાવ: સાબિર જુમ્માનઅલી છૂટક ડ્રાઈવિંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓની 18 વર્ષીય યુવતી દીકરીને માતાએ મોબાઈલ ફોન જોવાનું બંધ કરીને પોતાની સાથે ઘરકામ કરવાનું કહેતા તે વાતનું તેણીને માઠું લાગી આવ્યું હતું. આ વાત મનમાં રાખીને યુવતીએ આપઘાત કરી લીધો હતો. દીકરીના આપઘાતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
આ બનાવ કીમ ગામે આવેલ આશિયાના નગરમાં બન્યો છે. હાલ અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે. - વી આર ચોસલા, કિમ પોલીસ મથકના PSI
સુરતમાં બે દિવસ અગાઉ વિદ્યાર્થીનો આપઘાત: અન્ય બનાવની વાત કરીએ તો બે દિવસ અગાઉ સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ સ્થિત પૂર્વી સોસાયટીમાં પ્રવાસે જવાની ના પાડતા ધો-12ના વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો. શાળામાંથી કન્યાકુમારી પ્રવાસ જનાર હોય વિદ્યાર્થીએ બહેન પાસે પૈસાની માંગણી કરી હતી. પરંતુ નાણાકીય તકલીફ હોય બહેને તેને હાલ પરિસ્થિતિ સારી નથી એમ કહી પ્રવાસમાં જવા માટે ના પાડી હતી. માતા-પિતાએ પણ સગીરને સમજાવ્યો હતો. ત્યારબાદ બુધવારે સાંજે તેણે અંતિમ પગલું ભરી લીધું હતું.