સુરત: છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવમાં ભરકમ વધારો નોંધાયો છે જેના કારણે ગોલ્ડ જ્વેલરીની ખરીદીમા પણ ઘટાડો નોંધાયો છે. સોનાના ભાવમાં વધારો થતા જો લોકો વિચારી રહ્યા હોય કે હવે તેઓ જ્વેલરી ખરીદી શકશે નહીં તો સુરતમાં ખાસ લાઈટ વેઇટ જ્વેલરી તૈયાર કરવામાં આવી છે જેના કારણે લોકો બજેટમાં ગોલ્ડ જ્વેલરીની ખરીદી કરી શકશે.
અક્ષય તૃતીયા પર સોનાની ખરીદી શુભ: હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયા પર સોનાની ખરીદી શુભ માનવામાં આવે છે પરંતુ સોનાના ભાવમાં વધારો થતા લોકો ગોલ્ડ જ્વેલરી ખરીદી કરવા માટે વિચારી રહ્યા હતા. પરંતુ સુરતના જ્વેલર્સ દ્વારા લોકો લગ્નસરાની સીઝન અને અક્ષય તૃતીયા પર બજેટની અંદર ખરીદી કરી શકે આ માટે અલ્ટ્રા લાઈટ વેઇટ જ્વેલરી કલેક્શન બહાર પાડવામાં આવ્યું છે.
ભાવ વધારાની અસર: સોનાના ભાવમાં વધારો થતા ખાસ અલ્ટ્રા લાઈટ વેઇટ કલેક્શન લોકોને ચોક્કસથી પસંદ આવશે કારણ કે જ્વેલરી ભરાવદાર હોય છે. બજેટમાં એક ગ્રામથી લઈને 10 ગ્રામ સુધીમાં પેન્ડન્ટ બુટી તેમજ નેકલેસ તૈયાર થઈ જાય છે. એની ખાસિયત છે કે આ જ્વેલરી જોવામાં ખૂબ જ આકર્ષક છે અને ભરાવદાર બનાવવા માટે મોતી સ્ટોન અને કુંદનનો વધારે વપરાશ કરાય છે. લોકો બજેટ અનુસાર ડિઝાઇન પસંદ કરી શકે છે એટલું જ નહીં ભરાવદાર નેકલેસ 7 થી 10 ગ્રામમાં પણ તૈયાર થઈ જાય છે.
'સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે ખરીદી ઓછી થઈ છે લોકો અગાઉ બે થી લઈને પાંચ તોલાની જ્વેલરી બનાવતા હતા પરંતુ હવે સોનાના ભાવમાં વધારો થતા લોકો ગોલ્ડ જ્વેલરીની ખરીદી માટે વિચારી રહ્યા છે જેથી અમે આ ખાસ કલેક્શન તૈયાર કર્યું છે. જેના કારણે લોકોને 1 થી લઈને 10 ગ્રામ સુધીમાં જ્વેલરી તૈયાર મળી જશે. હવે લોકો કેરેટ ગોલ્ડની ખરીદી કરી રહ્યા છે કારણ કે હવે ગોલ્ડ ખરીદી સર્ટિફાઇડ થઈ ગઈ છે અને સેલ કરતી વખતે પણ લોકોને કિંમત મળી જતું હોય છે.' -દિપક ચોકસી, જ્વેલર્સ, સુરત
શુભ અવસરે ખરીદી: ગોલ્ડ જ્વેલરી ખરીદવા માટે આવેલી ડોક્ટર અશ્વિની શાહે જણાવ્યું હતું કે, 'સોનાનો ભાવ ખૂબ જ વધી રહ્યો છે જેના કારણે બજેટમાં ગોલ્ડ જ્વેલરી ખરીદવા માટે હું જ્વેલરી શોપમાં આવી છું. ઘરમાં લગ્ન પ્રસંગ છે જેથી બજેટમાં જ્વેલરી કઈ રીતે લઈ શકાય તે વિચારી રહી હતી. તે દરમિયાન અલ્ટ્રા લાઈટ વેટ જ્વેલરી જોઈ જે બજેટમાં પણ છે અને જોવામાં પણ હેવી લાગે છે. કલેક્શન ખૂબ જ સારું છે.'
આ પણ વાંચો Akshaya Tritiya 2023: અખાત્રીજ એટલે અક્ષય તૃતીયાએ પાંચ યોગ, આંખો બંધ કરી થાય શુભ કાર્યો આ દિવસે