સુરતઃ જિલ્લામાં છેલ્લા 3 દિવસમાં આશરે 400થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સુરતના મુખ્ય ઉદ્યોગ ટેક્સટાઇલ અને ડાયમન્ડના અગ્રણીઓ સહિત સુરત ચેમ્બર ઓફ કોમર્સના પદાધિકારીઓ સાથે સુરત મનપા કમિશનર બંછા નિધી પાણી અને મેયર ડૉ. જગદીશ પટેલે મિટિંગ કરી યોગ્ય ગાઇડ લાઇનનો અનુસરણ કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ટેક્સ્ટાઈલ માર્કેટના અગ્રણીઓએ શનિવાર અને રવિવારે માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
સુરત કલેક્ટરનો મહત્વનો નિર્ણય
- સુરત કમિશનર બંછાનિધી પાનીએ ઉદ્યોગકારો સાથે બેઠક યોજી
- સુરત ટેક્સટાઈલ અને ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા 40 ટકા લોકો કોરોના પોઝિટિવ કેસમાં છે સામેલ
- ફેડરેશન ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિયેશનના અગ્રણીઓએ માર્કેટને 2 દિવસ બંધ રાખવા કર્યો નિર્ણય
સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે સુરતમાં સતત વધી રહેલા કોરોના કેસને અટકાવવા માટે ખાસ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સુરત ડાયમંડ ઉદ્યોગ, ટેક્સટાઇલ ઉદ્યોગ અને ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણીઓ હાજર રહ્યા હતા. સુરત ટેક્સટાઈલ અને ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા આશરે 40 ટકા લોકો નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસોમાં સામેલ છે. જેથી સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર બંછા નિધી પાનીએ ઉદ્યોગકારો સાથે અગત્યની બેઠક યોજી ઉદ્યોગમાં કામ કરનારા લોકો માટે ગાઈડલાઈનની જાણકારી આપી હતી. તેમજ કોરોના વાઇરસ ન ફેલાઈ તે માટે અગત્યના મુદ્દાઓ પણ રજૂ કર્યા હતા.
અગાઉ પણ સુરત મહાનગરપાલિકા દ્વારા ડાયમંડ એસોસિયેશન અને હીરાઉદ્યોગ માટે ગાઈડલાઈ આપવામાં આવી હતી અને હવે ટેક્સટાઈલ ઉદ્યોગમાં પણ સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસોને ધ્યાનમાં રાખી કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા દરેક એકમોના અગ્રણીઓને બોલાવી ગાઈડ લાઈનની જાણકારી આપવામાં આવી હતી. જેમાં કંપનીને સેનેટાઈઝ કરવા કર્મચારીઓને પણ સેનેટાઈઝ કરવામાં આવ્યા હતા અને માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ રાખવા જણાવવામાં આવ્યું હતું.
સુરત વિવિગ એસોસિએશનના પ્રમુખ અશોકભાઇ શાહે જણાવ્યું હતું કે, અત્યાર સુધી ઉદ્યોગ સાથે સંકળાયેલા કોઇપણ કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યો નથી પરંતુ ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા આશરે 85 જેટલા લોકો આ વાઇરસના સંક્રમણમાં સંકળાયેલા છે. જેથી ઉદ્યોગને પાલિકા દ્વારા ગાઈડલાઇન આપવામાં આવી છે.
બીજી બાજુ ફેડરેશન ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિયેશનના અગ્રણીઓએ પણ હીરાઉદ્યોગના ત્રણ મુખ્ય બજાર જે રીતે શનિવારે અને રવિવારે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તે જ રીતે ટેક્સટાઇલ માર્કેટને પણ 2 દિવસ બંધ કરવામાં આવી છે.