સુરત:ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના સ્વાગત માટે કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ આ રેલીનો સોશ્યલ મીડિયામાં વિરોધ થયો હતો અને રેલીમાં સોશિયલ ડિસસન્ટન્સ ધજાગરા ઉડ્યા હતા અને આખરે સી.આર.પાટીલ દ્વારા અંતિમ ક્ષણો પર રેલી રદ કરવામાં આવી હતી. બાદમાં સુરત સાથે નવસારીની રેલી રદ્દ કરાઈ હતી.
આ ઉપરાંત નવસારીમાં આવતી કાલે યોજાનારી રેલી પણ રદ કરવામાં આવી હોવાની જાહેરાત સી.આર.પાટીલે કરી છે. પરંતુ મહત્વની વાત એ છે કે, સુરતમાં કોરોનાને લઈને સ્થિતિ વણસી છે અને આ રેલી અગાઉ જ હજારો લોકો ઉમટી પડયા હતા અને સોશિયલ ડિસસન્ટન્સના ધજાગરા ઉડ્યા હતા.
આખરે સી.આર.પાટીલે આ રેલી અંતિમ સમયે રેલી રદ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, "ડ્રોન દ્વારા લીધેલા ફોટોગ્રાફ જોયા છે. હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા હતા. મને લાગ્યું કે, જો આ રેલી પસાર થશે તો વિપક્ષ બિનજરૂરી વિવાદ ઉભો કરવાનો પ્રયત્ન કરશે. આ રેલી રદ કરાઈ છે. સાથે જ નવસારીની પણ 1000 વાહનોની રેલી રદ કરી છે."
અહી સવાલ એ ઉભો થાય છે કે આ રેલી ગતરોજ જ રદ થઇ શકે તેમ હતી તેમ છતાં રદ કેમ ન કરાઈ. જો ગતરોજ જ રદ કરવામાં આવી હોતે તો આજે હજારો લોકો એકઠા થયા ન હોત.
આમ, જીતના ઉત્સવમાં ખોવાયેલા ભાજપના નેતાઓ સરકારના નિયમનો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યાં છે. તો બીજી તરફ સામાન્ય લોકો પાસેથી નિયમ ભંગના નામે તોતિંગ દંડ વસૂલવામાં આવી રહ્યો છે. એના પરથી સ્પષ્ટ થાય છે, સરકારના નિયમો માત્ર સામાન્ય લોકો પર જ લાગું પડે છે. જે નિયમના નામે લોકોને લૂંટનું કામ કરતાં હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.