- ચોમાસા દરમિયાન ઝીંગા તળાવને કારણે વિસ્તારમાં ખાડીપુરની સમસ્યા
- તંત્રએ સ્થળ પર પહોંચી દેખાડો કર્યા બાદ ડિમોલિશન બંધ કર્યું
- ડિમોલિશનની કામગીરી દરમિયાન તંત્રએ તળાવની પાળ પર ફક્ત એક પાવડો મારી સંતોષ માની લીધો
સુરત: ઓલપાડમાં ગેરકાયદે ઝીંગા તળાવો પર કાર્યવાહીના નામે માત્ર દેખાડો જ કરવામાં આવ્યો હતો. ગઈકાલે બુધવારથી ઓલપાડ તાલુકામાં આવેલા ગેરકાયદે તળાવોનું ડિમોલિશન શરૂ કરવાનું નક્કી થયું હતું. બુધવાર સવારથી બુલડોઝર સાથે કાર્યવાહી શરૂ થઈ હતી. પરંતુ એક પાળ તોડતાની સાથે જ ડિમોલિશન બંધ કરી દેવાયું હતું. ફરી એક વખત ઝીંગા તળાવના સંચાલકોને સ્વૈચ્છિક ડિમોલેશન માટેની એક તક આપી હતી.
ઓલપાડમાં હજારો ગેરકાયદે ઝીંગા તળાવો
છેલ્લા ઘણા સમયથી ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં બનાવવામાં આવેલા ઝીંગા તળાવોને લઈ વિવાદ ચાલી રહ્યો છે. તાલુકાના મોર, કુંડિયારા, આડમોર, મંદરોઇ સહિતના ગામોમાં હજારોથી વધુ ગેરકાયદેસર ઝીંગા તળાવો આવ્યા છે. ઝીંગા તળાવોને કારણે કિમ નદી અને દરિયામાં જતું પાણી અવરોધવાને કારણે ચોમાસા દરમિયાન કાંઠા વિસ્તારના ગામડાઓમાં છેલ્લા ઘણા વર્ષોથી ખાડીપુરની સમસ્યા વકરી હતી. જેના કારણે જનજીવન પ્રભાવિત થયુ હતું. માનવસર્જિત પુરને કારણે લોકો નુકસાની વેઠી રહ્યાં હતાં.
ઝીંગા તળાવને કારણે પર્યાવરણને વ્યાપક નુકસાન
ઝીંગા તળાવને કારણે પર્યાવરણને પણ વ્યાપક નુકસાન થતું હતું. જે વિવિધ મુદ્દાઓને ધ્યાને રાખીને પર્યાવરણ વિભાગ દ્વારા ગુજરાત ગ્રીન ટ્રિબ્યુનલ કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. જે ફરિયાદના આધારે 27 જાન્યુઆરીના રોજ તળાવો દૂર કરવાના જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા. ત્યારે ગઈકાલે પ્રાંત અધિકારી અને મામલતદારે પોલીસ બંદોબસ્ત સાથે રાખીને ગેરકાયદેસર ઝીંગા તળાવો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.
કલેક્ટરના આદેશ બાદ કરવામાં આવી કાર્યવાહી
કલેક્ટરના આદેશ મુજબ ઓલપાડ મામલતદાર અને પ્રાંત અધિકારી દ્વારા તાબડતોબ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તળાવોને જમીનદોસ્ત કરવા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફક્ત જેસીબીનો પાવડો એક તળાવની પાળે મારીને તંત્રએ સંતોષ માની લીધો હતો અને ડિમોલેશનનો માત્ર દેખાડો કર્યો હતો. ત્યારે ગેરકાયદેસર તળાવ માફિયાઓને વધુ એકવાર સ્વૈચ્છિક ડિમોલેશન માટેનો સમય આપી દેવામાં આવ્યો હતો.