- 2008માં બહેનના લગ્નમાં જવા વચગાળાના જામીન મેળવ્યા હતા
- પંદર વર્ષ અગાઉ કડોદરાના વરેલીમાં એક યુવકની ગોળી મારી હત્યા કરી હતી
- વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવશે
બારડોલી : સુરત જિલ્લા એલ.સી.બી.ની પેરોલ/ફર્લો સ્ક્વોડ ટીમ દ્વારા 12 વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર કેદીને ઝડપી પાડવામાં આવ્યો હતો. વર્ષ 2005માં કડોદરાના કુમુદ સાઈ હત્યા કેસમાં તેને આજીવન સજા થઈ હતી. સજા બાદ 2008માં તે જામીન પર છૂટ્યા બાદ પરત હાજર થયો ન હતો.
12 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો
આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા એલસીબીની પેરોલ ફર્લો ટીમ પેરોલ જમ્પના આરોપીઓને શોધવા માટે પેટ્રોલિંગમાં હતી. શનિવારે સાંજે પોલીસને બાતમી મળી હતી કે, વર્ષ 2005માં પલસાણા પોલીસ મથક ખાતે નોંધાયેલા હત્યાના કેસમાં પકડાયેલ આજીવન કેદની સજા ભોગવતો મનોજ જયકરણ તિવારી વચગાળાના જામીન પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયો હતો. આ કેદી કડોદરા ચાર રસ્તા નજીક અકળામુખી મંદિર પાસે આવાનો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી કેદીને ઝડપી પાડ્યો હતો. પોલીસ પૂછપરછમાં તેણે પેરોલ જમ્પની કબૂલાત કરતા પોલીસે તેને વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે.
2005માં લૂંટ પણ કરી હતી
પૂછપરછ દરમિયાન પકડાયેલા કેદીએ પોલીસને જણાવ્યું હતું કે, 2005માં કડોદરા ખાતે આવેલા નિહારિકા મિલ પાછળના ભાગે રાત્રીના સમયે તેણે સંજય તિવારી, અમિત તથા ભોલુ નામના ઈસમો સાથે મળી દાદુલાલ ધોબીને લોખંડના સળિયા વડે માર મારી તેની પાસેથી રોકડની લૂંટ કરી હતી.
હત્યાના ગુનામાં થઈ હતી આજીવન કેદની સજા
આ ઉપરાંત પંદરેક વર્ષ પહેલાં તે કડોદરા ખાતે અલગ-અલગ મિલોમાં મજૂરી કામ કરતો હતો. તે વખતે સંજય તિવારી, અમિત રામદિન અને આશિષ નામના ઈસમોએ અંગત અદાવત રાખી મનોજ અને સંજયે પોતાની પાસેના દેશી તમંચાથી વરેલીના કુમુદ ગોઇરી શંકર સાઈ પર ફાયરિંગ કર્યું હતું. જે ગુનામાં કેસ ચાલી જતા તેને આજીવન કેદની સજા થઈ હતી અને તેને વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.
પાંચ વર્ષથી રાજકોટના જેતપુર ખાતે રહેતો હતો
આ દરમિયાન 2008ની સાલમાં પોતાના વતન ઉત્તરપ્રદેશમાં નાની બહેનના લગ્ન હોવાથી કોર્ટમાંથી વચગાળાના જામીન મેળવી પોતાના વતન ગયો હતો. ત્યારબાદ તે જેલમાં હાજર થવાની જગ્યાએ ફરાર થઈ ગયો હતો.
પોલીસ વારંવાર તપાસમાં આવતી હોવાથી વતનમાં પોતાનું ઘર અને જમીન વેચી પરિવાર સાથે મધ્યપ્રદેશના જબલપુર ગયો હતો અને ત્યાં લગ્ન કર્યા બાદ છેલ્લા પાંચ વર્ષથી રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે ડાઇંગ મિલમાં નોકરી કરતો હતો.