સુરત: પીપોદરાના નજીક ને.હા.નં-48 ઉપર વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ કન્ટેનરના પાછળના ભાગે ધડાકાભેર અથડાઇ હતી. જેમાં બે વિદ્યાથીઓને ઈજાગ્રસ્ત થયા હતા. જો કે મોટી જાનહાનિ ન સર્જાતા પોલીસ સહિત વાલીઓએ રાહત અનુભવી હતી.
કન્ટેનર સાથે અથડાઈ સ્કૂલ બસ: પ્રાપ્ત માહિતી અનુસાર કોસંબા પોલીસની હદમાં પી સવાણી શાળાની બસ આજે પોતાના શાળાનાં વિદ્યાર્થીઓ ભરી રોજીંદા નિત્યક્રમ અનુસાર શાળાનાં બાળકો ભરી અમદાવાદથી મુંબઇ તરફ ને.હા.નં 48 પર રોડ ઉપર જઇ રહી હતી. તે દરમ્યાન આગળ ચાલતા ગાયત્રી રોડ લાઇન્સ પ્રાઇવેટ લિમિટેડના કન્ટેનર સાથે પાછળનાં ભાગે સ્કૂલ બસ ધડાકાભેર અથડાઇ હતી. જેમાં શાળાનાં બે બાળકોને કાચ વાગતા ઇજા થઇ હતી.
હાઇવે ઉપર ચક્કાજામ: ગણતરીની મિનિટોમાં બની ગયેલી અકસ્માતની ઘટનામાં સ્કૂલ બસની કેબિનનાં કાચ તુટી ગયા હતા. અકસ્માતની ઘટનાનાં પગલે હાઇવે ઉપર ચક્કાજામ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. બનાવની જાણ થતા કોસંબા પોલીસ ઘટના સ્થળે દોડી જઇ ટ્રાફિક જામ ક્લીયર કરાવ્યો હતો. અકસ્માતની જાણ થતાં બસમાં સવાર વિદ્યાર્થીઓનાં વાલીઓના જીવ અધ્ધર થઇ ગયા હતા. જો કે પોલીસ દ્વારા સ્કૂલ બસમાં સવાર બે બાળકોને ઇજા સિવાય અન્ય બાળકો હેમખેમ હોવાની માહિતી આપતાં વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
અકસ્માતની ઘટનાને પગલે અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. કન્ટેનર અને એક ખાનગી સ્કૂલની બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેને પગલે હાઇવે પર લાંબો ટ્રાફિક જામ થયો હતો. અમારી ટીમ દ્વારા અકસ્માતગ્રસ્ત વાહનોને હાઈવેની સાઈડમાં કરી ટ્રાફિક હળવો કર્યો હતો. હાલ આગળની તજવીજ શરૂ છે. - જે કે મૂળિયા, પીએસઆઈ, કોસંબા