- હાઇવે પર વધી રહ્યા છે અકસ્માત
- લોકોએ દ્રાક્ષની લૂંટ ચલાવી
- પીકઅપના ચાલકને ઇજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયો
સુરત : દિવસેને દિવસે અકસ્માતોની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે, ખાસ કરીને સુરત ખાતેથી પસાર થતા મુંબઈથી અમદાવાદ નેશનલ હાઇવે ઉપર સૌથી વધુ અકસ્માતોના બનાવો બની રહ્યા છે. જેમાં રવિવારના રોજ વધુ એક અકસ્માત સુરતના ચલથાણ ગામ ખાતેથી પસાર થતા મુંબઇથી અમદાવાદ નેશનલ હાઇવે પર ટ્રક અને પીકઅપ વચ્ચે સર્જાયો હતો.
ક્રોસ કરવા જતાં પિકઅપ ટ્રક સાથે અથડાઇ
મુંબઈ તરફથી મહારાષ્ટ્ર પાર્સિંગવાળી દ્રાક્ષ ભરેલી પિકઅપ ગાડી આવી રહી હતી, તે જ દરમિયાન કડોદરા તરફથી ટ્રક ચાલક ચલથાણ પ્રિન્સ હોટલ કટ પાસે અચાનક હાઇવે ક્રોસ કરવા જતા પીકઅપ ગાડી ટ્રકમાં અથડાઈને પલટી મારી હતી. જે બાદ અકસ્માત સર્જાતા ટ્રક ચાલક ભાગી છૂટ્યો હતો.
અકસ્માત CCTVમાં કેદ
જે સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ હતી. અકસ્માતમાં પીકઅપ ચાલકને સદનસીબે સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાતા ચલથાણ ગામના સ્થાનિકો પણ દોડી આવ્યા હતા અને ચાલકને બહાર કાઢ્યો હતો. જે બાદ પ્રાથમિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો.
અકસ્માત થતા હાઇવે પર ટ્રાફિક જામ
બીજી તરફ અકસ્માત નેશનલ હાઇવે પર સર્જાવાથી વાહન વ્યવહાર ખોરવાયો હતો. કડોદરા પોલીસ મથક હોવાથી સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક હળવું કર્યું હતું. પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ચલથાણ ગામે નેશનલ હાઇવે 48 પર મોડી રાત્રિએ ટ્રક અને દ્રાક્ષ ભરેલી પીકઅપ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પીકઅપ રોડ પર પલટી ગઈ હતી, જે બાદ ત્યાંથી પસાર થતાં રાહદારીએ દ્રાક્ષની લૂંટ ચલાવી હતી.