- ફોરેન્સિક પોસ્ટ મોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં મોતનું કારણ સામે આવ્યું
- 21મીના રોજ મળી આવ્યો હતો યુવકનો મૃતદેહ
- પરિવારજનોએ હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરી હતી
સુરત : બારડોલી તાલુકાના મોતા ગામે શેરડીના ખેતરમાંથી યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવવાની ઘટનામાં પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી અનુસાર 21મી મેના રોજ સાંજે બારડોલી તાલુકાના મોતા ગામની સીમમાં આવેલા જીતુભાઇ નગીનભાઈ પટેલના ખેતરમાંથી નવી ગિરનાર ફળીયામાં રહેતા 22 વર્ષીય અનિલ રાજુ રાઠોડનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
આ પણ વાંચો : બારડોલીના મોતા ગામમાં શેરડીના ખેતરમાંથી યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો
ગળું દબાવવાથી મોત થયું હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં ખુલ્યું
યુવકની શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. આથી પોલીસે પ્રથમ અકસ્માત મોતનો ગુનો નોંધ્યા બાદ મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોસ્ટ મોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં યુવકનું મોત ગળું દબાવવાથી થયું હોવાનું સામે આવ્યું હતું.
આ પણ વાંચો : વાંકાનેરમાં રાજકોટના યુવકની હત્યા કેસના વધુ 4 આરોપીની ધરપકડ
20મીની રાત્રે યુવક ઘરેથી ગુમ થઈ ગયો હતો
આથી પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. અનિલ 20મી મેની રાત્રે ઘરેથી ફોન પર વાત કરતા કરતા નીકળી ગયો હતો, ત્યાર બાદ તે પરત ફર્યો ન હતો. શોધખોળ બાદ બીજા દિવસે સાંજે 7 વાગ્યે યુવકના બુટ અને પેન્ટ જીતુભાઇ ખેતરમાંથી મળી આવ્યા હતા. જે બાદ થોડે દૂરથી અનિલનો જ મૃતદેહ પણ ઊંધી પડેલી હાલતમાં મળી આવ્યો હતો.