સુરતઃ ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે, જ્યારે અકસ્માતના દ્રશ્યો પણ સામે આવા માંડ્યા છે. સુરત શહેરના અલથાન રોડ પર રસ્તાની વચ્ચે પતંગની દોરી આવી જતા બાઇક સવારનું ગળું કપાઈ જવાની ઘટના બની છે. બાઈક સવાર યુવકને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જે બાદ તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તબીબોએ યુવકને 12 જેટલા ટાંકા લીધા હોવાનું જાણવા મળ્યું છે.
પતંગની દોરી આવી જતા યુવકનું ગળું કપાયું
સુરત શહેરના ગોડાદરા ખાતે આવેલી પ્રિયંકા પાર્ક સોસાયટીમાં રહેતો 32 વર્ષીય દિપક વિનુભાઈ પાટીલ મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ પર ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. ગત્ત શુક્રવારના રોજ તે તેની પત્ની સાથે સંબંધીના ત્યાં ગયા હતા. સંબંધીના ત્યાંથી પરત ફરતા અલથાન ધીરજ સન્સ રોડ પર રસ્તાની વચ્ચે પતંગનો દોરો આવી જતા તેમને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોતાના બચાવ માટે દોરો પકડવા જતાં હાથમાં આંગળીઓમાં પણ ઇજાઓ થઈ હતી. ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક 108 મારફત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ દીપકભાઈને ગળાના ભાગે 12 જેટલા ટાંકાઓ લીધા હતા. ઉલ્લેખનીય છે કે, ઉત્તરાયણના તહેવારને લઈને અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. દર વર્ષે પતંગની દોરીથી અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. અનેક લોકો જીવ પણ ગુમાવી ચૂક્યા છે, જ્યારે લોકોએ આવી ઘટનાથી બચવા સાવધાની રાખવી સતત જરૂરી છે.