- બારડોલી કોસંબા અને ઝારખંડ પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું
- કોસંબા ખાતેથી નક્સલવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સ ઝડપાયો
- પકડાયેલો શખ્સ 3 વર્ષથી કોસંબાની કંપનીમાં કામ કરતો
સુરતઃ કોસંબામાંથી શુક્રવારના રોજ અગાઉ ઝારખંડમાં નક્સલી પ્રવૃત્તિ સાથે સંકળાયેલો શખ્સ ઝડપાયો હતો. કોસંબા પોલીસની ટીમે સંયુક્ત કામગીરી કરી શખ્સની ધરપકડ કરી કબ્જો ઝારખંડ પોલીસે લીધો હતો. પકડાયેલા શખ્સ સામે નક્સલવાદી પ્રવૃત્તિને લાગતા 6 કેસ નોંધાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. કોસંબા અને ઝારખંડ પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડી શખ્સની ધરપકડ કરી હતી. પકડાયેલો શખ્સ 3 વર્ષથી કોસંબાની કંપનીમાં કામ કરતો હતો.
ઝારખંડ પોલીસે 3 દિવસથી કોસંબામાં હતી
ઝારખંડ રાજ્યમાં અલગ-અલગ 6 ગુનાઓમાં સંડોવાયેલો નક્સલવાદી ગુડ્ડુસિંહ અનિરૂદ્ધસિંહ છેલ્લા કેટલાક સમયથી પોતાના પરિવાર સાથે કોસંબામાં રહે છે અને એક કંપનીમાં જોબર મશીન મેકેનિક તરીકે કામ કરે છે. આ બાતમીના આધારે ઝારખંડ રાજ્યની પલામુ જિલ્લાના નોડીદા બજાર પોલીસ છેલ્લા 3 દિવસથી કોસંબા ખાતે ધામા નાખ્યા હતા. બાદમાં કોસંબા પોલીસ સાથે PI વી.કે.પટેલની સૂચનાના આધારે શનિવારના રોજ સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસે ગુડડુને ઝડપી તેનો ઝારખંડ પોલીસને તેનો કબ્જો સોંપ્યો હતો.
2011માં 4 અને 2013માં 2 ગુના નોંધાયા હતા
કોસંબા પોલીસ મથકે પત્રકારો સાથે સંબોધન કરતા કામરેજ ડિવિઝનના dysp સી.એમ.જાડેજાએ જણાવ્યું હતું કે, પકડાયેલો શખ્સ ઝારખંડમાં અલગ-અલગ 6 નકસલી ગુનાઓમાં સંડોવાયેલો છે. જેમાં 2011માં 4 અને 2013માં બે ગુના તેની વિરુદ્ધ નોંધાયા હતા. જેના આધારે ઝારખંડ પોલીસ તેની શોધખોળ કરી રહી હતી. પકડાયેલો શખ્સ અગાઉ વાપી ખાતે પણ આ જ કંપનીમાં નોકરી કરતો હતો અને છેલ્લા 3 વર્ષથી કંપની કોસંબા શિફ્ટ થતા તે ત્યાં કામ કરતો હતો. કોસંબામાં તે તેના પરિવાર સાથે રહેતો હતો.
ગુજરાતમાં નકસલી કનેક્શન મળી આવ્યું નથી
ગુજરાતમાં તેમના દ્વારા નક્સલવાદ સાથે જોડાયેલી કોઈ પ્રવૃત્તિ કરવામાં આવતી હોય એવું જણાયું નથી. હાલ તપાસ ચાલી રહી હોય અન્ય બાબતો પર અધિકારીઓએ ફોડ પાડ્યો ન હતો. હાલ આરોપીનો ઝારખંડ પોલીસને સોંપવામાં આવ્યો છે.