સુરત: મામલતદાર દ્વારા સુરત ક્રાઇમ બ્રાન્ચમાં એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ મુજબ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો હતો. જે વાઇરલ વીડિયોમાં દેખાતો જીગર ઉર્ફે પ્રવીણ રાવળ નામનો શખ્સ કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા સંબંધીઓને ઘરનું ગુણવત્તાયુક્ત ભોજન પહોંચાડી આપવાની વાત જણાવી રહ્યો હતો. જે માટે અધિકારીઓને રૂપિયા આપવા પડશે તેવી વાત વાઇરલ વિડીયોમાં કરી રહ્યો હતો.
જો કે, આ શખ્સનો કોઈક દ્વારા સ્ટિંગ વિડીયો બનાવી લેવામાં આવ્યો હતો. જે વિડીયો બાદમાં સુરતના સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. જ્યાં મામલાની ગંભીરતા જોઈ સુરત જિલ્લા મામલતદાર દ્વારા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચે આરોપી જીગર ઉર્ફે પ્રવીણ રાવળની ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું કે, આરોપી પ્રવીણ રાવળ મોબાઇલ એસેસરીઝના વ્યવસાય સાથે સંકળાયેલ છે. આરોપીની વાતમાં કેટલી હકીકત છે, તે અંગે ક્રાઇમ બ્રાન્ચે હાલ તપાસ હાથ ધરી છે.