સુરત : ઇચ્છાપોર વિસ્તારમાં પોલીસ કોન્સ્ટેબલ પર હુમલા મામલે પોલીસે 10થી 15 લોકો સામે રાયોટીંગનો ગુન્હો નોંધ્યો છે. ઇચ્છાપોર બસસ્ટેન્ડ વચ્ચે મોપેડ પર સવાર ભાણેજ-મામીને કટ મારીને બાઈક સવાર યુવકે દાદાગીરી કરવા સાથે પોલીસકર્મી ભાઈ અને તેના બે-ત્રણ મિત્રોને ઘટનાસ્થળે બોલાવતા સામાન્ય વાતચીતથી શરૂ થયેલો ઝઘડો મારામારી સુધી પહોંચતા માહોલ ગરમાયો હતો. આ ઘટનામાં પોલીસકર્મી અને તેના ભાઈ સહિતના મિત્રોને પણ ઇજા થઈ હોવાનું જાણવા મળેલ છે.
પોલીસને મારતો વિડિઓ વાઇરલ થયો : આ ઘટનાનો વિડિઓ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, ગામ લોકો દ્વારા ટીશર્ટ પહેરેલા પોલીસ ઉપર હુમલો કરી રહ્યા છે. ટીશર્ટની પાછળ સુરત સાઇબર ક્રાઈમ પોલીસ લખેલું હોય તેવું પણ જણાય આવે છે. પોલીસ કર્મી ઉપર એક બાદ એક લોકો મારમારી કરી રહ્યા છે. હાલ તો પોલીસ આ વિડિઓને લઇને તપાસમાં લાગી છે.
ગઈકાલે ઈચ્છાપોર બસ સ્ટેન્ડ નજીક બે મોપેડ ચાલકનો અકસ્માત થયો હતો. જેમાં અકસ્માત થયેલો વ્યક્તિનો ભાઈ સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો. જેની જાણ તેને પોતાના ભાઈને કરી હતી તેમજ ગામના લોકો પણ ત્યાં એકઠા થઇ ગયા હતા. તે સમય દરમિયાન પોલીસની ગાડી પણ ત્યાં પહોંચી ગઈ હતી અને તે પહેલા જ પોલીસ ઉપર મારામારી પણ થઈ હતી. તે અંગે ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં રાયોટીંગનો ગુન્હો પણ દાખલ કરવામાં આવ્યો છે, જેની તપાસ હાલ ઈચ્છાપોર પોલીસ સ્ટેશનના પીઆઇ કરી રહ્યા છે. - જોઈન્ટ પોલીસ કમિશનર કે. એમ. ડામોર
આ મુજબની કલમો હેઠળ ગુનો નોંધાયો : આ ઘટનામાં રાયોટીંગ એક્ટ હેઠળ 143, 147, 148 અને 149ના કલમો કુલ 10થી 15 લોકો સામે દાખલ કરવામાં આવી છે. પોલીસે કોઈ સાથે મારા મારી કરી હોય તેવી વાત નથી. ટોળાંને વિખેરવા માટે પોલીસે પ્રયાસ કર્યા હતા. પોલીસે કોઈને માર માર્યો નથી અને પોલીસ ઉપર પણ હુમલો થયો નથી. પોલીસ ટોળાંને વિખેરવા માટે ગઈ હતી અને આ સમય દરમિયાન પોલીસને ઝપાઝપીમાં લાગી ગયું છે.