- આશીર્વાદ ક્લિનિકમાં રેડ
- બમરોલી વિસ્તારમાંથી બોગસ ડૉક્ટર ઝડપાયો
- લોકોના સ્વાસ્થ્ય સાથે કરી રહ્યો હતો ચેડા
સુરત: કોઈપણ જાતની ડીગ્રી મેળવ્યા વિના પાંડેસરાના બમરોલી વિસ્તારમાં ક્લિનિક ખોલીને દવાખાનું ચલાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરીને પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સુરતની ટીમે ઝડપી લીધો છે. કોલકાતાથી બોગસ ડિગ્રી મેળવી અમદાવાદમાં નોંધણી કરાવી હતી. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ SOGના PSI વિક્રમસિંહ જાડેજા અને સ્ટાફના માણસો પાંડેસરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, તે સમયે ASI અનિલ ગામીતને મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે પાંડેસરાના બમરોલી રોડ પર બાલાજી નગર સોસાયટીના મકાન નંબર 185માં ચાલતા આશીર્વાદ ક્લિનિકમાં રેડ કરી હતી. જ્યાં પોલીસે તપાસ કરતા નિલેશ સત્યનારાયણ તિવારી કે જેઓ રણછોડ નગરમાં રહે છે. તેની પાસે પોલીસે તબીબની ડીગ્રી અને રજીસ્ટ્રેશન બાબતે તપાસ કરી હતી.
દવાઓ સિરપ અને ઇન્જેક્શનનો જથ્થો કબજે
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનોને તપાસ બાદ ખબર પડી કે MBBSની ડીગ્રી જે તેની પાસે હતી તે પણ બોગસ હતી. તેણે કોલકાતાથી બોગસ ડિગ્રી અને સર્ટિફિકેટ બનાવ્યાં હતા અને તેના આધારે અમદાવાદમાં નોંધણી પણ કરાવી લીધી હતી. પોલીસે ક્લિનિકમાંથી દવાઓ સિરપ અને ઇન્જેક્શનનો જથ્થો કબજે કર્યો હતો.