સુરત : જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરાના સત્યમ નગરની શિવમ સોસાયટીમાં રહેતા 12 વર્ષીયના માસૂમ બાળકનું ગત 8મી સપ્ટેમ્બરના રોજ કડોદરાના ક્રિષ્ના નગરમાંથી અપહરણ કરી 15 લાખની ખંડણી માંગવાના પ્રકરણમાં એ જ વિસ્તારમાં રહેતા 5 યુવાનોની સંડોવણી બહાર આવી હતી. આ સમગ્ર ઘટનામાં આજરોજ પોલીસે એક આરોપીની ધડપકડ બાદ કરેલી પૂછપરછના આધારે માસૂમ બાળકનો મૃતદેહ કામરેજ તાલુકાના ઉંભેળ ગામની સીમમાં દાઢયા ફળિયા વિસ્તારમાં ખાડીની બાજુમાંથી મળી આવતા ચકચાર મચી ગઇ હતી.
પરિવાર મુળ બિહારનો હતો : સત્યમ નગરની શિવમ સોસાયટીમાં રહેતા અને મૂળ બિહારના જાહનાબાદ સંતપુરના રહેવાસી સુધીર કુમાર બલેશ્વર મહંતોના બે સંતાનો પૈકી 12 વર્ષીય પુત્ર અમરેન્દ્ર ઉર્ફે શિવમ કડોદરાની શ્રી નિવાસ સોસાયટીમાં આવેલ વિદ્યાભરતી સ્કૂલના ધોરણ 5માં અભ્યાસ કરતો હતો. જે સાંજે 5 :30થી 7 વાગ્યા દરમિયાન ક્રિષ્નના નગર ખાતે આવેલ રજનીશભાઈને ત્યાં ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરવા જતો હતો.
અજાણ્યા નંબર પરથી ફોન આવતા અપહરણની જાણ થઈ : ગત 8 સપ્ટેમ્બરના રોજ 8 વાગ્યાના અરસામાં સુધીર મહંતો પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જે ફોન તેમણે રિસીવ કર્યો ન હતો તો, ફરીથી 9 :45 ની આસપાસ સુધીર ઉપર ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, તુમ્હારા લડકા ઘર પે આયા હૈ કી નહિ. આ બાબતે સુધીરે જણાવ્યું હતું કે, નહિ આયા. જેથી સામેથી જવાબ મળ્યો કે, આયેગા ભી નહિ તેમ કહી ફોન બંધ કરી દીધો હતો. રાત્રીના 10:30 વાગ્યાના અરસામાં ફરી આ નંબરથી સુધીર ઉપર ફોન આવ્યો હતો અને તેના દીકરા સાથે સુધીરની વાત કરાવી હતી અને પહેલા 50 હજાર અને પછી 15 લાખની ખંડણીની માંગણી કરી હતી.
12 વર્ષના બાળકનું અપહરણ થયું હોવાની જાણ થતાં જ સુરત જિલ્લા ઉપરાંત રેન્જની ટીમો શોધખોળમાં લાગી હતી. અપહરણકર્તાઓએ પહેલા 50 હજાર અને ત્યારબાદ 15 લાખની માગ કરી હોવાનું બાળકના પિતાએ જણાવ્યું હતું. આ દરમિયાન અપહરણ તેની સોસાયટીના રહેતા જ યુવકોએ કર્યું હોવાની જાણ થતાં એક આરોપીને દબોચી લીધો હતો. જો કે બાળકની હત્યા કરાયેલી હાલતમાં ઉંભેળ ગામથી લાશ મળતા હાલમાં અપહરણની સાથે હત્યાની કલમનો પણ ઉમેરો કર્યો છે. બીજી તરફ આ અપહરણ અને હત્યાના આરોપી પૈકી નાસતા ફરતા બે ભાઈઓ સોનુ અને મોનુ રીઢા ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. સોનુ સામે 7 ગુનાઓમાં આરોપી છે જેમાંથી 4 કડોદરા જી.આઈ.ડી.સી. પોલીસ મથકમાં નોંધાયેલા છે. જ્યારે તેના ભાઈ મોનું સામે 3 ગુના નોંધાયેલા છે. બંને સામે દારૂની હેરાફેરી તેમજ હત્યા સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. - હિતેશ જોયસર, સુરત જિલ્લા પોલીસ વડા
પોલીસને જાણ કરવાની ના પાડી : સવારે ફરી ફોન કરીને જણાવ્યું હતુ કે, જો પોલીસને જાણ કરશો તો શિવમની હત્યા કરી દેવામાં આવશે. આ ઘટના બાદ સુધીરે કડોદરા પોલીસનો સંપર્ક કરતા મોબાઈલ ફોન ડિટેઇલ અને લોકેશનના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. જો કે 8મી ની રાત્રી દરમિયાન પોલીસને કોઈ સફળતા મળી ન હતી. 9 સપ્ટેમ્બરના સવારથી જ LCB, SOG તેમજ સમગ્ર સુરત જિલ્લાની પોલીસ આ તપાસમાં જોડાઈ હતી. તે દરમિયાન શિવમનું અપહરણ સત્યમ નગરમાં જ રહેતા સોનુ ઉર્ફે વિનાયલ શ્રીરામ યાદવ, તેનો ભાઈ મોનું વિનાયક યાદવ અને મોહન, જીગો, સતીષ અને ઉમંગ નામના યુવાનોએ ષડયંત્ર રચી અપહરણ કર્યું હોવાનું બહાર આવ્યું હતું. 9મીની રાત્રી દરમિયાન પણ પોલીસને સફળતા મળી ન હતી.
એક શકમંદની ધરપકડ બાદ હત્યાનો થયો ખુલાસો : રવિવારના રોજ પોલીસે ઉમંગની ઊંચકી લીધો હતો અને તેની કડકાઈ પૂર્વક પૂછપરછ કરતા ઉમંગે કબૂલાત કરી હતી કે, શિવમને ઉભેળ ખાતે આવેલ દાઢીયા ફળિયા નજીક ખાડીની બાજુમાં આવેલ નીલગીરીના ખેતર નજીક અવાવરું જગ્યાએ લઈ ગઈ તેની હત્યા કરી નાખી છે. મૃતદેહ ઝાડી ઝાંખરીમાં છુપાવી દેવામાં આવ્યો છે, જેના આધારે પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચતા શિવમનો મૃતદેહ મળી આવ્યો હતો. જે ઘટનાની જાણ થતા ખળભળાટ મચી ગયો હતો.