- ફેફસામાં 80 ટકા ઇન્ફેકશન થયું હોવા છતાં 90 વર્ષીય દાદાએ કોરોનાને આપી મ્હાત
- પાંચ દિવસ નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતાં
- દાદાને આઇસોલેશન સેન્ટરથી પુષ્પવર્ષા કરી વિદાય અપાઈ
સુરત: ફેફસામાં 80 ટકા ઇન્ફેક્શન થઇ ગયા બાદ જીવવાની આશા છોડી દેનાર 90 વર્ષીય ધરમશીભાઈ ભાલાળા વરાછાના આઇસોલેશન સેન્ટરથી ડિસ્ચાર્જ થયા હતા. 25 દિવસની સારવાર બાદ જ્યારે ધરમશીભાઈ કોરોનાને માત આપી સાજા થયા ત્યારે આઇસોલેશન સેન્ટરથી તેમની ધામધૂમથી વિદાય કરવામાં આવી હતી. પુષ્પવર્ષા કરી ઉત્સવની જેમ માહોલ બનાવી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: 105 વર્ષીય દેવંતી દેવી અને કોરોના સામેની લડાઇ, મહામારી સામે જીતની ગાથા
પાંચ દિવસ નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતાં
સુરતના વરાછા વિસ્તારમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, મોટા વરાછા બ્રિગેડ સહિત અનેક સંસ્થાઓના સહયોગથી કોવિડ સેન્ટર ચલાવવામાં આવી રહ્યા છે. જેમાં ધરમશીભાઈને કોરોના થતાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. ધરમશીભાઈના ફેફસામાં 80થી 85 ટકા ઇન્ફેક્શન થતાં તેમને પાંચ દિવસ સુધી નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતાં અને ત્યારબાદ આઇસોલેશન સેન્ટર ખાતે તેમના પરિવારના સભ્યો લઈ આવ્યા હતા.
આ પણ વાંચો: દમદાર દાદી: નવસારીના 90 વર્ષીય દાદીએ હસતાં મોઢે કોરોનાને હરાવ્યો
સત્યનારાયણની કથા પણ રાખવામાં આવી
પોતાની ગંભીર સ્થિતિ જોઈ ધરમશીભાઈ પોતાનું વસિયતનામું બનાવ્યું હતું. તેમને બે પુત્ર છે અને તેમના પૌત્ર ફેનીલ ભલાળાએ જણાવ્યું હતું કે, કોવિડ સેન્ટરમાં સકારાત્મક વાતાવરણના કારણે તેમના દાદા સાજા થયા છે. ડિસ્ચાર્જ થતાં પરિવારના સભ્યો પણ ખૂબ જ ખુશ છે અને એક ઉત્સવની જેમ આ દિવસને મનાવવામાં આવ્યો હતો. ડિસ્ચાર્જ થયા બાદ કોવિડ આઇસોલેશન સેન્ટરના તમામ સ્વયંસેવકોએ ફૂલહાર પહેરાવી ઢોલ બજાવીને તેમને ઘરે વિદાય આપી હતી. દાદાના સારા થવા માટે માનતા પણ માની હતી. જેથી ઘરે સત્યનારાયણની કથા પણ રાખવામાં આવી હતી.