સુરત: સચીન જીઆઈડીસી વિસ્તારમાં તળાવમાં ડૂબી જતાં 8 વર્ષના બાળકનું મોત થયું હતું. બાળકના મિત્રોએ બુમાબુમ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા. સ્થાનિકોએ બાળકને બહાર કાઢી પોલીસને જાણ કરી હતી. સચીન જીઆઈડીસી પોલીસે બાળકના મૃતદેહના કબ્જો લઇ નવી સિવિલ હોસ્પિટલ પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.
બાળક પાણીમાં ગરકાવ: સચીન જીઆઈડીસી વિસ્તારમાં આવેલ માધવદીપ એપાર્ટમેન્ટમાં રહેતો 8 વર્ષીય બાળક ગઈકાલે સાંજે પોતાના બાળ મિત્રો જોડે ઘરની બહાર રમી રહ્યો હતો. રમતાં-રમતાં તેઓ સચીન રેલવે સ્ટેશન નજીક આવેલ તળાવમાં નાહવા માટે ઉતાર્યા હતા. તે દરમિયાન જ બાળક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ જોતા જ બાળકના અન્ય બાળમિત્રોએ બુમાબુમ કરી હતી.
'મારા 8 વર્ષના ભાણિયાનો એક દિવસ પહેલા જ જન્મદિવસ હતો. ગઈકાલે તે ખૂબ જ થાકી ગયો હતો. તેણે પપ્પાને કહ્યું કે કે મારે સ્કૂલે જવું નથી. એટલે પપ્પાએ આરામ કરવાનુ કીધું. થોડીવારમાં તેના અન્ય બાળમિત્રો આવ્યા ત્યારે તે ઘરની રમવા માટે જતો રહ્યો હતો. દરરોજ રમવા માટે જતો ત્યારે એકથી બે કલાકમાં આવી જતો હતો. પરંતુ ગઈકાલે તેઓ બધા જ બાળમિત્રો રમવા માટે તળાવ પાસે જતા રહ્યા હતા. ત્યાં જ નાહવા માટે ગયો અને ડૂબી ગયો હતો. તેમના પિતાને કેન્સર છે. જેઓ લુમ્સના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.' અંકિતકુમાર સિંહ, મૃતક બાળકના મામા
" આ ઘટના ગઈકાલે સાંજે 4:30 વાગ્યાની આસપાસ બની હતી. જે મામલે મૃતક બાળક કે જે 8 વર્ષનો હતો. તે પોતાના અન્ય બાળમિત્રો જોડે સચિન રેલ્વે સ્ટેશનની બાજુમાં આવેલ કંસાડ ગામ પાસે આવેલ તળાવમાં નાહવા માટે ગયો હતો.' - દિગ્વિજયસિંહ, પોલીસ કોન્સ્ટેબલ, સચીન જીઆઈડીસી
મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલાયો: વધુમાં જણાવ્યું કે તે સમય દરમિયાન બાળક તળાવના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જોકે તેના મિત્રો દ્વારા જ બુમાબુમ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા. તળાવમાં બાળક નજર ન આવતા બાળકની શોધખોળ હાથ ધરી હતી. સ્થાનિકો દ્વારા જ બાળકને બહાર કાઢવામાં આવ્યો હતો. હાલ બાળકના મૃતદેહનો કબ્જો લઇ નવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી શરૂ કરી છે.