9 નવેમ્બરે કાંતાબેન અડાજણ ખાતે આવેલ માલવિયા પેથોલોજી લેબોરેટરીમાં બ્લડ ટેસ્ટ કરાવીને તેમના પુત્રવધુ સાથે એકટીવા પર ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે તેમના ઘરની પાસે ચક્કર આવતા એકટીવા પરથી નીચે પડી જતા માથામાં ઇજાઓ થવાથી તેઓ બેભાન થઇ ગયા હતા. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં માલવિયા હોસ્પીટલમાં દાખલ કરી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સાંજે યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલમાં ડૉ.અરવિંદ માલવિયાની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી હતી. તેમજ નિદાન માટે સીટી સ્કેન કરાવતા મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું અને સોજો હોવાનું નિદાન થયું હતું. 12 નવેમ્બરે ડોક્ટરોની ટીમે કાંતા બેનને બ્રેનડેડ જાહેર કર્યા હતા. આ અંગેની જાણ ડોનેટ લાઈફ સંસ્થાને કરવામાં આવી હતી.
ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી કાંતાબેનના પતિ દુર્લભજીભાઈ, પુત્ર નરેશ, દિયર કિશોર, જમાઈ ભુપેન્દ્ર તેમજ પરિવારના અન્ય સભ્યોને ઓર્ગન ડોનેશનની જાણકારી આપી તેનું મહત્વ સમજાવ્યુ હતું. કાંતાબેનના પતિ દુર્લભજી અને પુત્ર નરેશે જણાવ્યું કે, તેઓ ખુબજ ધાર્મિક વૃતિના હતા. સ્વાધ્યાય પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા. તેમણે વાંચનનો ખુબજ શોખ હતો. તેઓ જીવનમાં હંમેશા બીજાને મદદરૂપ થવા તૈયાર રહેતા હતા. વધુમાં નરેશભાઈએ જણાવ્યું કે, મારા પિતરાઈ ભાઈની બંને કિડની 2009માં ખરાબ થઇ ગઈ હતી. અને તેમનું ટ્રાન્સપ્લાન્ટ 2010માં થયું હતું.તેમની માતાએ એક કિડની આપી હતી. ટ્રાન્સપ્લાન્ટના 9 વર્ષ પછી ફેબ્રુઆરી 2019માં ન્યુમોનિયા થવાને કારણે 42 વર્ષની વયે તેમનું મૃત્યુ થયું હતું. આથી કિડની નિષ્ફળતાની પીડા શું હોય છે તે અમે સારી રીતે જાણીએ છીએ. આજે અમારું સ્વજન બ્રેઈનડેડ છે. તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો.